05 December, 2025 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર ભલે પંજાબના નસરાલી ગામમાં જન્મ્યા હોય, પરંતુ તેમનું દિલ હંમેશાં લુધિયાણા જિલ્લાના તેમના પૈતૃક ગામ ડાંગોમાં જ રહ્યું. ધર્મેન્દ્રએ તેમના બાળપણનાં પ્રથમ ૩ વર્ષ આ જ ગામમાં પસાર કર્યાં હતાં. ડાંગો ગામમાં તેઓ જે વડીલોપાર્જિત ઘરમાં રહ્યા હતા એની આજની કિંમત કરોડોમાં છે. ધર્મેન્દ્રના આ ઘર અને જમીનની દેખરેખ તેમના કાકા અને પિતરાઈ ભાઈઓ કરી રહ્યા છે. ધર્મેન્દ્રના પિતાએ તેમને એ પૈતૃક સંપત્તિનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને ધર્મેન્દ્રએ પછી પાંચ કરોડ રૂપિયાની અઢી એકર જેટલી આ જમીન પોતાના કાકાના પૌત્રોને સોંપી દીધી જેથી તેઓ ગામમાં જ રહીને સંપત્તિની યોગ્ય રીતે સંભાળ રાખી શકે.
ધર્મેન્દ્રને તેમના ભત્રીજાઓ માટે ખૂબ પ્રેમ હતો અને એટલે તેમણે પોતાની આ અઢી એકર જેટલી જમીન પોતાનાં સંતાનોને આપવાને બદલે ભત્રીજાઓને આપી દીધી, કારણ કે તેઓ તેમને પોતાના પરિવારનો જ એક ભાગ ગણતા હતા. ધર્મેન્દ્ર ૨૦૧૩માં એક શૂટિંગ માટે ડાંગો આવ્યા હતા અને એ સમયે તેઓ બહુ ભાવુક બની ગયા હતા. આ પછી ૨૦૧૫માં ફરી ડાંગો આવ્યા અને આ વખતે તેમણે પૈતૃક જમીનને કાનૂની રીતે તેમના ભત્રીજાઓના નામે કરી દીધી હતી.