12 September, 2025 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચનને દિલ્હી હાઈ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે તેના વ્યક્તિગત અને વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરીને તેની વ્યક્તિગત ઇમેજ, ફોટો, કન્ટેન્ટ અને અવાજનો ગેરકાયદે ઉપયોગ કરવાને ‘ગૌરવ સાથે જીવવાના અધિકાર’નું ઉલ્લંઘન ગણાવ્યું છે. આટલું જ નહીં, કોર્ટે ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ, ગૂગલ વગેરેને નોટિસ આપીને ૭૨ કલાકની અંદર અભિનેત્રીની યાચિકામાં ઉલ્લેખિત ફરિયાદી વેબસાઇટના ઍડ્રેસને હટાવવા, નિષ્ક્રિય કરવા અને બ્લૉક કરવાના વચગાળાના નિર્દેશ આપ્યા છે.
કોર્ટે ઇલેક્ટ્રૉનિક્સ અને IT મંત્રાલય તથા IT વિભાગને આદેશ આપ્યો છે કે તેઓ આવા તમામ ઍડ્રેસને બ્લૉક અને નિષ્ક્રિય કરવા માટે જરૂરી નિર્દેશો જાહેર કરે. ઐશ્વર્યાએ હાઈ કોર્ટમાં અરજી કરીને તેની પરવાનગી વિના ઇન્ટરનેટ પર તેની તસવીરો, ફેક ઇમેજ, ફેક વિડિયો અને ફેક ઑડિયોના અયોગ્ય ઉપયોગને લઈને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.