મારે આ દેશમાં મારી દીકરીને મોટી નથી કરવી : અભિષેક બચ્ચન

30 December, 2012 04:26 AM IST  | 

મારે આ દેશમાં મારી દીકરીને મોટી નથી કરવી : અભિષેક બચ્ચન


મને હંમેશાં ભારતીય હોવા બદલ ગર્વ હતો, પણ આજે આપણે બધા શરમમાં મુકાઈ ગયા છીએ. શું હંમેશાં દેશને જગાડવા માટે એક નિર્દોષનું મોત જરૂરી છે? હું આ દેશમાં મારી દીકરીને મોટી કરવા નથી ઇચ્છતો. આ દેશ એવો નથી રહ્યો જે અમે બાળપણમાં જોયો હતો.

- અભિષેક બચ્ચન

અમાનત કહો કે દામિની, હવે એ માત્ર એક નામ છે. તેના શરીરનું મોત થઈ ચૂક્યું છે, પણ તેના આત્માએ આપણાં દિલોને ઝંઝોળી દીધાં છે.

- અમિતાભ બચ્ચન

મને એ કહેતાં દુ:ખ થાય છે કે હું આ જ સોસાયટી અને સંસ્કૃતિનો એક હિસ્સો છું. હું માણસ છું એ કહેતાં પણ મને લાજ આવે છે. હું ખાતરી આપું છું કે હું પણ તારા માટેની આ લડતમાં સાથ આપીશ. અમે તને બચાવી ન શક્યા, પણ તારા જેવી નાનકડી અને બહાદુર છોકરીએ ઘણો મોટો અવાજ લોકોને આપ્યો છે. હું મહિલાઓને માન આપીશ જેથી મારી દીકરી પાસેથી પણ એવું માન મેળવી શકું.

- શાહરુખ ખાન

વર્ષનો અંત અત્યંત પીડાદાયક સમાચાર સાથે થઈ રહ્યો છે.

- નેહા ધુપિયા

આજનો દિવસ અત્યંત ખરાબ છે, કારણ કે ગૅન્ગ-રેપનો ભોગ બનેલી બહાદુર યુવતી મોત સામેની લડાઈ હારી ગઈ છે.

- સોનમ કપૂર

બસ, હવે બહું થયું. આ મૃત્યુ નિર્ભયા કે દામિનીનું નથી પણ માનવતાનું છે. સરકારે હવે ગાઢ નિદ્રામાંથી જાગીને રાક્ષસોને કડકમાં કડક સજા કરવી જોઈએ.

- લતા મંગેશકર

અમે દેવીની જેમ પૂજાવા માગતા નથી. અમને માત્ર માન આપો. સ્ત્રીઓને માત્ર એક પ્રૉપર્ટીની જેમ જોતી માનસિકતા બદલવાનો સમય હવે આવી ગયો છે.

- શબાના આઝમી

જ્યાં પણ તમે સ્ત્રીને દેવીસ્વરૂપે પૂજો છે એ બધાં મંદિરોના દરવાજા બંધ કરી દો. તમારા હાથ પોતાની જ દીકરીના લોહીથી રંગાઈ ગયા છે. મહિલાઓ, હવે મૌન તમારી રક્ષા નહીં કરે; બહાર આવીને બોલો અથવા તો કાયમ માટે મૌન થઈ જાઓ.

- મહેશ ભટ્ટ

હું અત્યંત શરમ અનુભવી રહ્યો છું અને એટલો જ ગુસ્સે પણ છું.

- અનુરાગ કશ્યપ

આ સમય ઇન્ડિયા ગેટ કે મેટ્રો સ્ટેશનો બંધ કરવાનો નહીં પણ સૉરી કહેવાનો છે. લોકોનો ગુસ્સો શાંત થાય એ માટે સૉરી કહો.

- અનુપમ ખેર

ક્રાન્તિ શરૂ કરવા માટે કેમ કોઈના બલિદાનની જરૂર છે? હું આશા રાખું છું કે તેનું બલિદાન નિરર્થક નહીં જાય.

- અજય દેવગન

મહિલાઓ સામે અપમાનજનક સ્ટેટમેન્ટ આપતા પોતાના જ નેતાઓ સામે રાજકીય પક્ષો પગલાં ભરી શકતા નથી. સવાલ એ છે કે જો તેઓ પોતાનું ઘર સાફ રાખી શકતા નથી તો સમાજને સ્વચ્છ કરશે એવી અપેક્ષા કેવી રીતે રાખવી?

- ફરહાન અખ્તર

મહિલાઓ જ્યારે અડધી રાત્રે પણ મુક્તપણે રસ્તા પર ચાલી શકશે ત્યારે આપણે સાચા અર્થમાં સ્વતંત્ર કહેવાઈશું.

- અક્ષયકુમાર

આજે લોકશાહીનો કાળો દિવસ છે. આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જ્યાં સુધી આ લડત પૂરી નહીં થાય ત્યાં સુધી અટકીશું નહીં.

- મધુર ભંડારકર