મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં છપાક થઈ ટૅક્સ-ફ્રી

10 January, 2020 12:35 PM IST  |  Bhopal

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં છપાક થઈ ટૅક્સ-ફ્રી

છપાક

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સરકારે ‘છપાક’ને ગઈ કાલે રિલીઝ પહેલાં જ ટૅક્સ-ફ્રી કરી દીધી છે. ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના જીવનને દેખાડતી આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે. ફિલ્મમાં લીડ રોલમાં દીપિકા પાદુકોણ અને વિક્રાન્ત મૅસી જોવા મળી રહ્યાં છે. ફિલ્મને મધ્ય પ્રદેશમાં ટૅક્સ-ફ્રી કરવાની જાહેરાત ટ્‍‍વિટર પર કરતાં મુખ્ય પ્રધાન કમલનાથે ટ્વીટ કર્યું હતું કે ‘દીપિકા પાદુકોણ અભિનીત ઍસિડ-અટૅક સર્વાઇવર પર બનેલી ફિલ્મ ‘છપાક’ જે ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે એને હું મધ્ય પ્રદેશમાં ટૅક્સ-ફ્રી કરવાની જાહેરાત કરું છું. આ ફિલ્મ સમાજમાં ઍસિડ પીડિત મહિલાઓને લઈને એક સકારાત્મક સંદેશ આપવાની સાથે-સાથે એ પીડાસહિત આત્મવિશ્વાસ, સંઘર્ષ અને આશા સાથે જીવન જીવવાના અભિગમ પર આધારિત છે. સાથે જ આવા કેસમાં સમાજની વિચારધારાને બદલવાનો પણ સંદેશ આપે છે.’

આ પણ વાંચો : રણવીર સાથે કામ કરતી વખતે મારે મારા 200 ટકા આપવું પડશે : શાલિની પાંડે

ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરતાં ટ્‍‍વિટર પર છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું હતું કે ‘સમાજમાં મહિલાઓ પર ઍસિડ દ્વારા કરવામાં આવતા ગંભીર અપરાધોને દેખાડતી તથા આપણા સમાજને જાગૃત કરતી હિન્દી ફિલ્મ ‘છપાક’ને સરકારે છત્તીસગઢમાં ટૅક્સ-ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. તમે બધા પરિવાર સાથે આ ફિલ્મ જોવા જાઓ, સ્વયં સજાગ બનો અને સમાજને પણ જાગૃત કરો.’

deepika padukone bollywood news entertaintment