18 July, 2026 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના બીજા સંતાનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દીપિકા હાલમાં ૭ મહિનાની પ્રેગ્નન્સીમાં પણ પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. રિપોર્ટ પ્રમાણે હાલમાં તે અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ ‘રાકા’ માટે જોરદાર ઍક્શન સીનનું શૂટિંગ કરી રહી છે. ૮ કલાકની શિફ્ટની ડિમાન્ડને લઈને ચર્ચામાં રહેલી દીપિકા હાલમાં નાઇટ-શિફ્ટમાં કામ કરી રહી છે અને ડિરેક્ટર ઍટલીની આ ફિલ્મ માટે અત્યંત પડકારજનક ઍક્શન સીન પણ આપી રહી છે.
દીપિકાના ડેડિકેશન વિશે વાત કરતાં ‘રાકા’ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘મૅટરનિટી બ્રેક લેતાં પહેલાં દીપિકા ફિલ્મનું કામ પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતી. કેટલાક ઍક્શન સીન ખૂબ જ મુશ્કેલ અને થકવી નાખનારા છે, છતાં તેણે તમામ પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. સેટ પર દીપિકાને આ રીતે કામ કરતી જોવી એ દરેક માટે પ્રેરણાદાયક છે. એટલું જ નહીં, તે પોતાની દોઢ વર્ષની દીકરીને પૂરતો સમય અને પ્રેમ પણ આપે છે.’