‘ડીડીએલજી’નાં ૨૫ વર્ષ થતાં એ સમયની યાદોને તાજી કરતાં ઉદય ચોપડાએ કહ્યું

17 October, 2020 07:55 PM IST  |  Mumbai | Harsh Desai

‘ડીડીએલજી’નાં ૨૫ વર્ષ થતાં એ સમયની યાદોને તાજી કરતાં ઉદય ચોપડાએ કહ્યું

ઉદય ચોપડા

આદિત્ય ચોપડા દ્વારા ડિરેક્ટ અને લખવામાં આવેલી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ એક એવી ફિલ્મ છે જેના બિહાઇન્ડ ધ સીનને પહેલી વાર ઇન્ડિયામાં પ્રમોશનના ભાગરૂપે ટીવી પર રિલીઝ કરવામાં આવ્યા હતા. ૧૯૯૫ની ૨૦ ઑક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મને ૨૫ વર્ષ થઈ રહ્યાં છે. આ ફિલ્મે ઘણા બૉક્સ-ઑફિસ રેકૉર્ડ બનાવ્યા હતા. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે એની ફિલ્મમેકિંગની પ્રોસેસની ફિલ્મને પણ પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મમેકિંગને ઉદય ચોપડાએ ડિરેક્ટ કરી હતી, જે આદિત્ય ચોપડાને ફિલ્મમાં અસિસ્ટ પણ કરી રહ્યો હતો. આ વિશે વાત કરતાં ઉદય ચોપડાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ સાથે આદિ એવું કંઈ કરવા માગતો હતો જે આ પહેલાં ઇન્ડિયામાં કોઈએ ન કર્યું હોય. તેણે મને આ ફિલ્મના મેકિંગની ફિલ્મ બનાવવા માટે ડિરેક્શનનો ઇન-ચાર્જ બનાવ્યો હતો. આ પહેલાં આવું ઇન્ડિયામાં ક્યારેય નહોતું થયું. આથી મારા માટે આ એકદમ જ નવી વાત હતી. કૅલિફૉર્નિયાની ફિલ્મ સ્કૂલમાં અભ્યાસ કરીને હજી તો હું રિટર્ન જ થયો હતો અને મને લાગ્યું કે ફિલ્મમેકિંગના એક નવા પહલુને એક્સપ્લોર કરવું મારા માટે આ ખૂબ જ સારી વાત છે. આ માટે અમને ઘણાં ફુટેજની જરૂર હતી અને એ સમયે અમારી પાસે S-VHS જેવા કૅમેરા એક જ ઑપ્શન હતા. સેટ પર અસિસ્ટન્ટ બનવાની સાથે હું બિહાઇન્ડ ધ સીન ફુટેજનો વિડિયોગ્રાફર પણ હતો. મારા હાથમાં એક કૅમેરો અને બીજા હાથમાં ક્લૅપ બોર્ડ હતું. યુટિલિટી બેલ્ટમાં હું બૅટરી અને ચાર્જિંગ કેબલની સાથે અન્ય પાર્ટ્સને સતત સાથે લઈને ચાલતો હતો. ડીડીએલજેએ બિહાઇન્ડ ધ સીનનો એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો જે પહેલાં ફક્ત ‘ધ મેકિંગ’ તરીકે ઓળખાતો હતો.’

આ બિહાઇન્ડ ધ ફિલ્મને દૂરદર્શન પર રિલીઝ કરવામાં આવી હતી. આ વિશે ઉદય ચોપડાએ કહ્યું હતું કે ‘અમારી પહેલી ફિલ્મ એવી હતી જેના બિહાઇન્ડ ધ સીનને દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. તેમને જે એક્સક્લુસિવ ફુટેજ આપવામાં આવ્યાં હતાં એમાંથી તેમણે એક સ્પેશ્યલ શો બનાવ્યો હતો. આ શો ઍર થયા બાદ ઘણા લોકોએ એનાં વખાણ કર્યાં હતાં. અમે એ સમયે ઇન્ડિયામાં માર્કેટિંગ માટે એક નવો બેન્ચમાર્ક તૈયાર કર્યો હતો.’

entertainment news bollywood bollywood news dilwale dulhania le jayenge uday chopra harsh desai