`ડાર્લિંગ્સ` રિવ્યુ : કમજોર સ્ટોરી, દમદાર ઍક્ટિંગ

06 August, 2022 10:15 AM IST  |  Mumbai | Harsh Desai

બીજા પાર્ટમાં સ્ટોરી નબળી પડી જાય છે, પરંતુ ઍક્ટિંગ ખૂબ જ જોરદાર છે

`ડાર્લિંગ્સ`નો સીન

ડાર્લિંગ્સ

કાસ્ટ : આલિયા ભટ્ટ, શેફાલી શાહ, વિજય વર્મા

ડિરેક્ટર : જસ્મિત કે. રીન

રિવ્યુ : ત્રણ સ્ટાર (ટાઇમ પાસ)

આલિયા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘ડાર્લિંગ્સ’ને ગઈ કાલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ ફિલ્મને તેણે શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ સાથે મળીને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં આલિયાની સાથે વિજય વર્મા અને શેફાલી શાહે પણ કામ કર્યું છે. ફિલ્મને રિલીઝ પહેલાં જ બૉયકૉટ કરવાની વાત ચાલી હતી. જોકે એમાં બૉયકૉટ કરવા જેવું કંઈ છે ખરું?

સ્ટોરી ટાઇમ
ફિલ્મમાં આલિયાએ બદરુન્નિસાનું પાત્ર ભજવ્યું છે. તેને દરેક વ્યક્તિ બદરુ કહીને બોલાવતા હોય છે અને તેનો પતિ ડાર્લિંગ્સ કહીને બોલાવતો હોય છે. આલિયાના પતિ હમ્ઝાનું પાત્ર વિજય વર્માએ ભજવ્યું છે. આલિયાની મમ્મી શમ્સુન્નિસાનું પાત્ર શેફાલી શાહે ભજવ્યું છે. આલિયા બેરોજગાર હમ્ઝાને પ્રેમ કરતી હોય છે. જોકે તે ત્યારે જ તેની મમ્મી સાથે તેની મુલાકાત કરાવવાની હોય છે જ્યારે તેની પાસે જૉબ હોય. હમ્ઝાને સરકારી જૉબ મળે છે. મમ્મી તૈયાર થઈ જાય છે. લગ્ન થઈ જાય છે અને સ્ટોરી ત્રણ વર્ષ બાદ શરૂ થાય છે. હમ્ઝા ઘરે આવે છે. બિરયાનીમાંથી પથ્થર નીકળે છે અને હમ્ઝાને ગુસ્સો આવે છે. તે બદરુને ગળું પકડીને ખેંચી કાઢે છે અને મારે છે. સવારે ઊઠીને તે બદરુને પ્રેમ કરે છે અને કહે છે કે તે દારૂના નશામાં આવું કરે છે. બદરુ બધું સહન કરતી રહે છે, કારણ કે તે હમ્ઝાને પ્રેમ કરતી હોય છે. બીજી તરફ શમ્સુ તેની દીકરીને કહે છે કે તે ઘર છોડીને તેની પાસે આવીને રહે. આજે મારે છે, એ દિવસ દૂર નથી કે તે મારી જ નાખશે. જોકે બદરુ સાંભળ્યું-ન સાંભળ્યું કરે છે. જોકે એક દિવસ પાણી માથા પરથી જતું રહે છે અને બદરુ તેના પતિને બાંધી દે છે અને બદલો લેવાનું નક્કી કરે છે. પછી શું થાય છે એ માટે પિક્ચર જોવું રહ્યું.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ડોમેસ્ટિક વાયલન્સ પર આધારિત આ સ્ટોરી મહિલા પોતાનું રિસ્પેક્ટ પાછું મેળવવા માટે કેવી રીતે ઝઝૂમે છે એના પર છે. જોકે આ એક ડાર્ક કૉમેડી છે એથી ખૂબ જ સિરિયસ ઇશ્યુ હોવા છતાં પણ એમાં હ્યુમર જોવા મળે છે. ફિલ્મને જસ્મિત કે. રીન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેણે આ સ્ટોરીને પરવેઝ શેખ સાથે મળીને લખી છે. પહેલી ફિલ્મ હોવા છતાં જસ્મિતે ખૂબ જ સારું કામ કર્યું છે. આ સ્ટોરીનો વિષય જેટલો સિરિયસ છે એને એટલી ગંભીરતાથી જ દેખાડવામાં આવ્યો છે. જોકે એ વધુપડતો ડાર્ક ન થઈ જાય એટલે સમયે-સમયે હ્યુમર પણ દેખાડવામાં આવ્યું છે. આ હ્યુમર પહેલા પાર્ટમાં ખૂબ જ નૅચરલ લાગે છે. જોકે બીજા પાર્ટમાં એ હ્યુમર થોડું જબરદસ્તીવાળું લાગે છે. જોકે એમ છતાં રાઇટર દ્વારા સ્ટોરીઝમાં ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જેમ કે શમ્સુ અને બદરુ બન્ને પર લોકો નજર બગાડતા હોય છે, પરંતુ એને કેવી રીતે હૅન્ડલ કરવું એ તેઓ જાણે છે. આલિયા પર થતા ડોમેસ્ટિક વાયલન્સને લઈને તેની આસપાસના લાકો આંખ આડા કાન કરે છે જેમ કે એ ઘર-ઘરની વાત હોય. જોકે તેઓ એમ છતાં બદરુ તરફ સહાનુભૂતિમ દેખાડતા હોય છે. આ સાથે જ ઘણાં દૃશ્યો પણ ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યાં છે જેમ કે પોલીસ-સ્ટેશનનું દૃશ્ય. બદરુ તેના પતિથી એટલી કંટાળી ગઈ હોય છે કે તે અને શમ્સુ દરેક પુરુષને મારી નાખવાનું ઇમૅજિન કરે છે. આ દરમ્યાન તેમના પર પોલીસ-સ્ટેશનમાં આવવાનો ફોન આવે છે. તેમને એવું લાગે છે કે તેમણે પુરુષોને મારી નાખવાનું ઇમૅજિન કર્યું છે એ માટે તેમને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યાં છે. આ દૃશ્ય ખૂબ જ સારી રીતે બનાવેલું છે અને હ્યુમરથી ભરેલું છે. જસ્મિતની પણ પહેલી ફિલ્મ હોવા છતાં તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. જોકે ખાસ કરીને ફિલ્મના બીજા પાર્ટ પર વધુ મહેનત કરવાની જરૂર હતી. બીજા પાર્ટને અને ક્લાઇમૅક્સને વધુ સારી રીતે બનાવવામાં આવી શક્યાં હોત.

પર્ફોર્મન્સ
આલિયા ભટ્ટે આ ફિલ્મમાં ખૂબ જ જોરદાર કામ કર્યું છે. સ્ટોરી નબળી હોવા છતાં પણ તેણે ફિલ્મને ખૂબ જ સારી રીતે પોતાના ખભા પર ઉઠાવી છે. ઍક્ટિંગથી લઈને બોલવાની સ્ટાઇલ અને બૉડી-લૅન્ગ્વેજ દરેકમાં તેણે એક નંબરનું કામ કર્યું છે. આલિયાની સાથે વિજય વર્માએ પણ ખૂબ જ અદ્ભુત કામ કર્યું છે. તેણે હમ્ઝાનું પાત્ર એટલું જોરદાર ભજવ્યું છે કે દરેક દર્શક તેને નફરત કરશે. એક ઍક્ટર માટે આ એક કૉમ્પ્લીમેન્ટ છે. શેફાલી શાહ પણ ગજબની ઍક્ટર છે. તેણે પણ શમ્સુના પાત્રને ચાર ચાંદ લગાવી દીધા છે. શમ્સુની સ્ટોરી લાઇનને પણ ખૂબ જ સારી રીતે લખવામાં આવી છે. તે તેની દીકરીને બચાવવા માટે સપોર્ટ કરવાની સાથે તમામ પ્રયત્ન પણ કરે છે. તેમ જ તે પોતાના પગ પર ઊભી રહેવા માટે રસોઈ બનાવીને ઑફિસમાં ટિફિન પણ પહોંચાડતી હોય છે.

મ્યુઝિક
આ ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર પ્રશાંત પિલ્લે દ્વારા આપવામાં આવ્યો છે. તેમ જ સૉન્ગનું મ્યુઝિક વિશાલ ભારદ્વાજ અને મેલો ડી દ્વારા બનાવવામાં આવ્યું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ સારો છે. તેમ જ સૉન્ગ પણ એટલાં જ સારાં છે. ઓપનિંગ ક્રેડિટનું ગીત મિકા સિંહનું છે એ ખૂબ જ સારું છે તેમ જ અરિજિત સિંહનું અને રૅપ સૉન્ગ પણ ખૂબ જ સારું અને બંધબેસતું છે.

આખરી સલામ
આ ફિલ્મની સ્ટોરી થોડી નબળી છે પરંતુ આલિયા, વિજય અને શેફાલી શાહના દમદાર પર્ફોર્મન્સથી એમાં ચાર ચાંદ લાગી ગયા છે. આલિયા ખરેખર છોટા બૉમ્બ બડા ધમાકા છે.

bollywood bollywood news film review movie review bollywood movie review netflix alia bhatt shefali shah Shah Rukh Khan red chillies entertainment harsh desai