જેમ્સ બૉન્ડની કાર ચલાવવા માટે ના પાડી દેવામાં આવી હતી ડૅનિયલ ક્રેગને

01 March, 2020 01:23 PM IST  |  Los Angeles

જેમ્સ બૉન્ડની કાર ચલાવવા માટે ના પાડી દેવામાં આવી હતી ડૅનિયલ ક્રેગને

ડૅનિયલ ક્રેગ

‘નો ટાઇમ ટુ ડાય’માં જેમ્સ બૉન્ડની આઇકૉનિક ૦૦૭ રાઇડનો અનુભવ લેવા ન મળતાં ડૅનિયલ ક્રેગને પસ્તાવો થઈ રહ્યો છે. સલામતીને ધ્યાનમાં રાખતાં ડૅનિયલને એસ્ટન માર્ટિન DB5 ચલાવવાથી વંચિત રહેવું પડ્યું હતું. ફિલ્મમાં હાઈ-સ્પીડ ચેઝિંગના એ દૃશ્ય માટે સ્ટન્ટ ડ્રાઇવર માર્ક હિગિન્સની મદદ લેવામાં આવી હતી. આ વિશે વિસ્તારમાં માહિતી આપતાં ડૅનિયલે કહ્યું હતું કે ‘તમને એમ લાગતું હશે કે આ બધું બનાવટી છે. ખરુંને? મને એ કાર ચલાવવાની મંજૂરી નહોતી આપવામાં આવી. આમ છતાં મેં ડ્રાઇવિંગ તો કર્યું હતું. મટેરા વિસ્તારમાં મને DB5ને એક જ ઠેકાણે ગોળ ગોળ ફેરવવાની પરવાનગી મળી હતી. એ મારા માટે અદ્ભુત અનુભવ હતો.’

બીજી તરફ સ્ટન્ટને લઈને પોતાના અનુભવ જણાવતાં માર્ક હિગિન્સે કહ્યું હતું કે ‘દરેક વસ્તુ વાસ્તવિક હતી. અમે આ ફિલ્મમાં CGIને બદલે રિયલ ઍક્શનનો સમાવેશ કર્યો છે. તેમનો પ્રયાસ એ હતો કે જેમ બને એમ ફિલ્મનાં દૃશ્યોને રિયલ દેખાડવામાં આવે. અમે જે વાતાવરણમાં ડ્રાઇવિંગ કરી રહ્યા હતા એ ખૂબ જ જટિલ હતું. ત્યાં ગિરદી પણ ખૂબ હતી અને રસ્તા પણ સાંકડા હતા. આવી જગ્યાએ સ્ટન્ટ કરવું અઘરું હતું.’

ડૅનિયલની પ્રશંસા કરતાં હિગિન્સે કહ્યું હતું કે ‘તે એક શાનદાર ઍક્ટર છે. તેનો આભાર માનું છું કે તેણે મને ડ્રાઇવિંગ કરવા દીધું અને મેં તેને ઍક્ટિંગ કરવા દીધી. એથી એમ કહી શકાય કે અમારી વચ્ચે આ ડીલ થઈ હતી.’

daniel craig james bond hollywood news entertainment news