લૉકડાઉનમાં ગરીબોને ખોરાકની સાથે હાઇજીન પણ જરૂરી: માનુષી છિલ્લર

24 April, 2020 03:24 PM IST  |  Mumbai | Harsh Desai

લૉકડાઉનમાં ગરીબોને ખોરાકની સાથે હાઇજીન પણ જરૂરી: માનુષી છિલ્લર

માનુષી છિલ્લર

માનુષી છિલ્લરનું કહેવું છે કે ગરીબો માટે ભોજન જેટલું જરૂરી છે એટલા જ તેમના માટે સૅનિટરી પૅડ્સ પણ જરૂરી છે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉનને પગલે તમામ અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. દુનિયા જાણે એક જગ્યાએ થંભી ગઈ છે. આ પરિસ્થિતિમાં ગરીબો માટે સૌથી મહત્ત્વની વાત ખોરાક છે. જોકે માનુષીનું કહેવું છે કે તેમના માટે હાઇજીન પણ એટલું જ જરૂરી છે. 2017માં મિસ વર્લ્ડ બન્યા બાદ માનુષીએ તેના પ્રોજેક્ટ શક્તિ દ્વારા ઇન્ડિયાની મહિલાઓને સશક્ત કરવા માટે તેમને મશીન પૂરાં પાડી સૅનિટરી પૅડ્સ બનાવતાં શીખવાડ્યું હતું. તે મહિલાઓને સશક્ત કરવાની સાથે મેન્સ્ટ્રુએશન પર પણ ખૂબ જ ધ્યાન આપી રહી છે. સોશ્યલ કામની સાથે તે હવે બૉલીવુડમાં અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા ડેબ્યુ કરી રહી છે. કોરોના વાઇરસ ક્રાઇસિસમાં સૅનિટરી પૅડ્સને પણ સરકારે જીવનજરૂરિયાતની વસ્તુમાં દાખલ કર્યા છે. જોકે માનુષીનું રોજનું રોજ કામ કરીને જીવતી ફૅમિલીમાં સૅનિટરી પૅડ્સને ખૂબ જ મોટો પ્રશ્ન માને છે. આ વિશે માનુષી કહે છે, ‘કોરોના વાઇરસના ક્રાઇસિસમાં સૅનિટરી પૅડ્સને પણ સરકારે જીવનજરૂરિયાતની વસ્તુમાં ઍડ કરી હોવાની ખુશી છે. જોકે આપણે એ વાત પર ફોકસ કરવાની જરૂર છે કે ગરીબ મહિલાઓ અને રિમોટ વિલેજમાં રહેતા લોકોને કેવી રીતે સૅનિટરી પૅડ્સ ફ્રીમાં પહોંચાડી શકાય. રોજિંદા ભોજનની સામગ્રીની સાથે સૅનિટરી પૅડ્સ પણ મોકલવામાં આવે એવી હું દરેક રાજ્યને વિનંતી કરું છું. રોજિંદું કામ કરીને જીવતી ફૅમિલીમાં હાલમાં કમાણીનું કોઈ માધ્યમ નથી. આથી તેમની પાસે જેટલા પણ પૈસા છે એનો ઉપયોગ તેઓ ફક્ત ભોજન ખરીદવા માટે કરશે એ સ્વાભાવિક છે. તેમના માટે મહિલાઓ માટે સૅનિટરી પૅડ્સ ખરીદવા પ્રાયોરિટી નહીં પણ હોય. એની પાછળ ચોક્કસ રકમ ખર્ચવી પડે છે. આથી મહિલાઓ માટે એ મુશ્કેલી ઊભી કરી શકે છે. આ પાછળ કામ કરતા કેટલાંક ઑર્ગેનાઇઝેશન સાથે મેં વાતચીત પણ કરી છે જેઓ એ ફ્રીમાં પહોંચાડી રહ્યાં છે. જોકે જિલ્લા લેવલથી શહેર અને સ્ટેટ લેવલ સુધીની દરેક વ્યક્તિ આ માટે કાર્ય કરે તો એને વધુ સરળતાથી પાર પાડી શકાય છે.’

coronavirus covid19 manushi chhillar