ઘરમાં બેસીને ખિલાડી બનો, બહાર નીકળીને બેવકૂફ નહીં: અક્ષયકુમાર

25 March, 2020 05:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરમાં બેસીને ખિલાડી બનો, બહાર નીકળીને બેવકૂફ નહીં: અક્ષયકુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમારે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને લોકોની ઝાટકણી કાઢી હતી. જનતા કરફ્યુ અને લૉકડાઉનમાં પણ બહાર નીકળનારા લોકોનો તેણે ક્લાસ લીધો હતો. તેણે લોકોને હાથ જોડીને વિનંતી કરી હતી કે ઘરમાં બેસો અને જીવન બચાવો. વિડિયોમાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘દર વખતે હું દિલની વાત ખૂબ જ પ્યારથી કહું છું, પરંતુ આ વખતે ખૂબ જ ખુન્નસ આવી રહ્યું છે. આજે કોઈ ખોટા શબ્દ બોલાઈ જાય તો મને માફ કરજો. કેટલાક લોકોના દિમાગ ખરાબ થઈ ગયેલા છે. તેમને શું થયું છે? તેમને લૉકડાઉનનો મતલબ કેમ સમજમાં નથી આવતો? લૉકડાઉનનો મતલબ થાય છે ઘરમાં રહો. ઘરની અંદર રહો, પરિવારની સાથે રહો. રસ્તા પર રખડવા માટે ન નીકળી પડો. ખૂબ જ બહાદુરી દેખાડી રહ્યા છો તમે. તમારી બધી બહાદુરી અહીં જ રહી જવાની છે. પોતે પણ હૉસ્પિટલમાં જશો અને પરિવારને પણ સાથે લઈને જશો. મમ્મી, પપ્પા, બહેન, પત્ની બધાં જ હૉસ્પિટલમાં પહોંચી જશે જો તમે બુદ્ધિનો ઉપયોગ નહીં કરો. હાથ જોડીને વિનંતી કરું છું. હું ફિલ્મોમાં સ્ટન્ટ કરું છું, કાર ઉડાવું છું, હેલિકૉપ્ટર પર લટકું છું, બધું જ કરું છું; પરંતુ હાલમાં સાચું કહું છું કે આ આપણી લાઇફનો સવાલ છે. આ બીમારી સામે સમગ્ર દુનિયાની હાલત ખરાબ છે અને એ કોઈ મજાક નથી. તમે ઘરમાં બેસીને તમારા પરિવારના હીરો બની શકો છો. ફક્ત ઘરમાં બેસીને જિંદગીના ખિલાડી બનો. ઘરમાં રહો. સરકાર કહે ત્યાં સુધી ઘરમાં રહો. ત્યાં સુધી તમારી લાઇફ બચેલી રહેશે. કોરોનાની સામે જંગ ખેલાઈ રહ્યો છે અને આપણે એને હરાવવાનો છે. આ બીમારીને હરાવવી છે અને એ સિવાય આપણી પાસે કોઈ રસ્તો પણ નથી. બીજું કોઈ યુદ્ધ હોત તો હું તમને કહેતો કે ચાલો ઊઠો વીરો, અને યુદ્ધ કરો. આ જંગ માટે હું તમને કહીશ કે હાથ ધોઈને ફક્ત ઘરમાં બેસી રહો. ચૂપચાપ બેસી રહો અને સરકાર ન કહે ત્યાં સુધી બહાર ન આવો. તમે ખિલાડી બનો, બેવકૂફ ન બનો. ઘરમાં રહો. ધન્યવાદ.’

akshay kumar coronavirus bollywood news entertainment news