અગાઉના સમયમાં કૉમેડીને ગંભીરતાથી લેવામાં નહોતી આવતી : જૉની લીવર

04 August, 2021 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે હું જ્યારે યંગસ્ટર્સને જોઉં છું એમાં મારી દીકરી જેમી લીવર પણ સામેલ છે. મારી દીકરી આખો શો કરે છે. તેને જોઈને મને સકારાત્મક પરિવર્તન આવ્યાનો અહેસાસ થાય છે.’

જૉની લિવર

જૉની લીવરનું કહેવું છે કે પહેલાંના સમયમાં કૉમેડીને વધુ મહત્ત્વ નહોતું આપવામાં આવતું. તેનું કહેવું છે કે હવે યુવાઓએ કૉમેડીને જ ફુલ ટાઇમ પ્રોફેશન બનાવી છે. પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં જૉની લીવરે કહ્યું હતું કે ‘મને આજે પણ યાદ છે કે જ્યારં હું યુવાન હતો અને ફુલ ટાઇમ નોકરી કરતો હતો. મારા ફ્રી ટાઇમમાં હું કૉમેડિયન તરીકે કામ કરવા માટે પ્લૅટફૉર્મ્સ શોધતો રહેતો હતો. કોલાબામાં રહેતો ઉચ્ચ વર્ગ એ સમયે કૉમેડિયનને વધુ મહત્ત્વ નહોતા આપતા. કોણ જાણે કેમ તેમને માટે આ કામ મામૂલી હતું. શું અમારા જોક્સ તેમને સંબંધિત નહોતા કે પછી તેમનું સેન્સ ઑફ હ્યુમર અલગ હતું એને કારણે આ અડચણ આવતી હતી? હું કોલાબાની રેડિયો ક્લબમાં ગયો હતો અને ત્યાં આવતા લોકોનું નિરીક્ષણ કરતો હતો. કૉફી ટેબલ પર થતું તેમનું કન્વર્ઝેશન, તેમનું સેન્સ ઑફ હ્યુમર જોઈને મને અહેસાસ થયો કે એમાં આ બન્નેનું કૉમ્બિનેશન હતું. દરેક જોક માટે દર્શકો હોય છે. આપણે માત્ર યોગ્ય સ્થાને જોક કહેવાની જરૂર છે. એક વાસ્તવિકતા એ પણ છે કે કૉમેડીના બિઝનેસને એ સમયે કોઈ ગંભીરતાથી નહોતા લેતા. એથી હોઈ શકે કે કદાચ અમને સ્ટૅન્ડ-અપ-કૉમેડિયન્સને, મિમિક્રી આર્ટિસ્ટને કોઈ ગંભીરતાથી નહોતું લેતું. તેમને જોઈએ એટલું માન કે પૈસા પણ નહોતા મળતા. તમે જાણો છો કે અમારે મોટા કલાકારો સાથે ટ્રાવેલ કરવું પડતું હતું, પરંતુ સ્ટેજ પર અમને ખૂબ ઓછો સમય મળતો હતો. અમે માત્ર રાહત આપવા માટે કૉમેડી કરતા હતા. હવે હું જ્યારે યંગસ્ટર્સને જોઉં છું એમાં મારી દીકરી જેમી લીવર પણ સામેલ છે. મારી દીકરી આખો શો કરે છે. તેને જોઈને મને સકારાત્મક પરિવર્તન આવ્યાનો અહેસાસ થાય છે.’
તેણે એમ પણ કહ્યું છે કે ઇન્ડસ્ટ્રીમાં સારા કૉમિક રાઇટર્સનો અભાવ છે. એ વખતે કૉમેડી માટે રાઇટિંગ પણ ખૂબ ઓછું હતું. એ વિશે જૉની લીવરે કહ્યું કે ‘લાંબા સમય સુધી લખવાની જે પ્રક્રિયા હતી એનું અસ્તિત્વ જ નહોતું. કૉમેડી સીન્સ માટે તો ૩૦ ટકા રાઇટિંગ અને ૭૦ ટકા ઇમ્પ્રુવાઇઝેશન કરવામાં આવતું હતું. મને આજે પણ યાદ છે કે ‘બાઝીગર’માં મને કહેવામાં આવ્યું હતું કે ઍક્ટિંગની સાથે મારે હાવભાવ પણ દેખાડવાના હતા. એ બધી મોમેન્ટ્સમાં ઇમ્પ્રુવાઇઝેશન કર્યું હતું.’

bollywood news bollywood bollywood gossips johnny lever