સુપરહીરો થોરે કહ્યું, નમસ્તે ઇન્ડિયા

09 April, 2020 04:15 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સુપરહીરો થોરે કહ્યું, નમસ્તે ઇન્ડિયા

થોર

કોરોના લૉકડાઉનને કારણે લગભગ દરેક પ્રોજેક્ટનું કામ અટકી ગયું હોવાથી આવનારા કેટલાક સમયમાં નેટફ્લિક્સ સહિતના ઓટીટી પ્લૅટફૉર્મ રિલીઝ થવા માટે તૈયાર હોય એવા શોનું જ સ્ટ્રીમિંગ કરશે. ૨૪ એપ્રિલે નેટફ્લિક્સ ‘એક્સ્ટ્રૅક્શન’ નામની એક્શન-પેક્ડ થ્રિલર ફિલ્મ રિલીઝ કરવાની છે જેમાં ‘થોર’ તરીકે જાણીતો અભિનેતા ક્રિસ હેમ્સવર્થ લીડ રોલમાં છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. ‘એક્સ્ટ્રૅક્શન’ના ડિરેક્ટર સેમ હારગ્રેવ અને રાઇટર જો રુસો (‘અવેન્જર્સ એન્ડ ગેમ’ ફેમ) છે. આ ફિલ્મમાં ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ ફેમ ડેવિડ હાર્બર ઉપરાંત રણદીપ હૂડા, પંકજ ત્રિપાઠી જેવા ભારતીય કલાકારો પણ છે.

ક્રિસ હેમ્સવર્થ આ ફિલ્મના શૂટિંગ માટે ૨૦૧૮માં ભારત આવ્યો હતો ત્યારથી ચાહકો ક્રિસને દમદાર લુકમાં જોવા માટે આતુર બન્યા હતા. વળી ભારતમાં શૂટિંગ થયું હોવાને લીધે ક્રિસ સ્પેશ્યલ પ્રમોશન માટે ભારતની મુલાકાત લેવાનો હતો જે કોરોનાની મહામારીને લીધે કૅન્સલ થયું છે. જોકે ક્રિસે સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના ભારતીય ચાહકો માટે ખાસ સંદેશો આપ્યો છે. ‘નમસ્તે ઇન્ડિયા’થી અભિવાદન કરીને ક્રિસ હેમ્સવર્થે પોતાના ફૅન્સને કહ્યું કે ‘ભારતમાં ફિલ્મનું શૂટિંગ થયું છે એથી ત્યાં આવીને સેલિબ્રેશન કરવા માટે હું ઉત્સાહિત હતો. ભારતમાં શૂટિંગ કરવાનો અનુભવ અવિસ્મરણીય રહ્યો, પણ હાલ વિશ્વમાં જે બની રહ્યું છે એને જોતાં હું પણ તમારી જેમ ઘરમાં છું. તમારા દેશના કેટલાક ટૅલન્ટ સાથે કામ કરવાનો મને ગર્વ છે. તેમના વગર આ ફિલ્મ શક્ય ન હોત.’

chris hemsworth thor bollywood news entertainment news