કંગનાની લાઇફ બનાવી દીધી ચિત્રાંગદા સિંહ માટેના રોલે

27 July, 2014 05:13 AM IST  | 

કંગનાની લાઇફ બનાવી દીધી ચિત્રાંગદા સિંહ માટેના રોલે





‘ગૅન્ગસ્ટર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનારી અને ઑડિયન્સથી માંડીને ક્રિટિક્સ અને બૉલીવુડના દિગ્ગજોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરનારી કંગના રનોટ એ પહેલાં અનેક જગ્યાએથી રિજેક્શન મેળવી ચૂકી હતી. આ વાત ખુદ કંગનાએ કલર્સ ચૅનલ પર આવી રહેલા ‘ધ અનુપમ ખેર શો - કુછ ભી હો સકતા હૈ’માં કહી હતી. કંગના જ્યારે કૉફીશૉપમાં બેઠી હતી ત્યારે અનુરાગ બાસુએ તેને જોઈ અને અનુરાગે કંગનાને ફિલ્મ ઑફર કરી એવી કપોળકલ્પિત વાતોને પણ કંગનાએ શો દરમ્યાન નકારી હતી અને કહ્યું હતું કે ‘એકાદ મહિનો મુંબઈમાં રહીને ઑડિશન્સ આપવાનું મેં વિચાર્યું હતું. એક જગ્યાએ મારું ફોટો-શૂટ હતું. ત્યાં એક એજન્ટ મળ્યો, જે મને મહેશ ભટ્ટની ઑફિસમાં લઈ ગયો. મોહિત સૂરિ અને અનુરાગ બાસુ મળ્યા, તેમણે ફોટોગ્રાફ જોયા અને પછી મેં રોલ માટે ઑડિશન આપ્યું.’

સ્વાભાવિક રીતે આશા બંધાઈ ગઈ હોય ત્યારે જ કંગનાને શૉક આપવાનું કામ મહેશ ભટ્ટે કર્યું. કંગના એ દિવસો યાદ કરતાં કહે છે, ‘મહેશ ભટ્ટે કહ્યું કે આ છોકરી તો માંડ સત્તર-અઢાર વર્ષની લાગે છે અને આપણે તો ૨૮-૨૯ વર્ષની મૅચ્યોર દેખાય એવી છોકરી જોઈએ છે. એ પછી તો મને સાંભળવા મળ્યું કે તેમણે શાઇની આહુજા અને ચિત્રાંગદા સિંહને એ ફિલ્મ માટે સાઇન કરી લીધાં, પણ બે મહિના પછી એક દિવસ અચાનક જ અનુરાગનો મને ફોન આવ્યો. ફોનમાં તેણે કહ્યું કે એ લોકોએ આઉટડોર શૂટિંગ માટે તાત્કાલિક નીકળવાનું છે અને ચિત્રાંગદાનો કૉન્ટૅક્ટ નથી થઈ રહ્યો - એટલે ચલો-ચલો, અબ તુમ્હારા હી મેક-અપ કર કે થોડી બડી દિખાએંગે, તુમ હી કર લો ફિલ્મ... આ રીતે મને ‘ગૅન્ગસ્ટર’ મળી.’

૨૦૦૬માં રિલીઝ થયેલી ‘ગૅન્ગસ્ટર’માં કંગનાએ એક બારગર્લની છોકરીનું કૅરૅક્ટર કર્યું હતું જે બે વ્યક્તિના પ્રેમમાં પડે છે. પહેલાં તે ગૅન્ગસ્ટર બનેલા શાઇની આહુજાના પ્રેમમાં પડે છે અને એ પછી તે એક ખુફિયા પોલીસમૅન ઇમરાન હાશ્મીના પ્રેમમાં પડે છે.

‘ગૅન્ગસ્ટર’ના આ રોલને કારણે કંગના રનોટ માટે બૉલીવુડના દરવાજા ખૂલી ગયા અને તેણે એ પછી ‘વો લમ્હેં’, ‘લાઇફ ઇન અ મેટ્રો’, ‘ફૅશન’, ‘તનુ વેડ્સ મનુ’, ‘ક્રિશ ૩’ જેવી અનેક ફિલ્મો કરી. હમણાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ક્વીન’થી કંગનાની ઍક્ટિંગ કૅપેસિટી એક નવી જ ઊંચાઈએ પહોંચી અને એક જ દિવસે રિલીઝ થયેલી માધુરી દીક્ષિત અને જુહી ચાવલાની ફિલ્મ ‘ગુલાબ ગૅન્ગ’ને પણ તેણે બૉક્સ-ઑફિસ પર માત આપી.