લક્ષ્મી અગરવાલની વકીલને છપાકમાં ક્રેડિટ આપવાનો કોર્ટે આપ્યો આદેશ

10 January, 2020 12:47 PM IST  |  New Delhi

લક્ષ્મી અગરવાલની વકીલને છપાકમાં ક્રેડિટ આપવાનો કોર્ટે આપ્યો આદેશ

લક્ષ્મી અગરવાલ સાથે દીપિકા પાદુકોણ

‘છપાક’માં ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલની વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવામાં આવે એવો આદેશ કોર્ટે આપ્યો છે. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને વિક્રાન્ત મૅસી મુખ્ય રોલમાં જોવા મળી રહ્યાં છે. અપર્ણા ભટ્ટે ઘણાં વર્ષોથી લક્ષ્મીનો કેસ લડ્યો હતો. સાથે જ તેણે ‘છપાક’માં વિવિધ માહિતીઓ પણ પૂરી પાડી હતી. એથી મેઘના ગુલઝારની આ ફિલ્મમાં તેને માત્ર ક્રેડિટ આપવામાં આવે એવી અપર્ણાની માગણી હતી. કોર્ટે મેકર્સને કહ્યું છે કે તેઓ ફિલ્મમાં એ વાતનો પણ ઉલ્લેખ કરે કે વકીલ અપર્ણા મહિલાઓ સાથે થતી સેક્સ્યુઅલ અને શારીરિક હિંસાઓ વિરુદ્ધ સતત લડત ચલાવી રહી છે. સાથે જ તેના યોગદાનને ઍક્ચ્યુઅલ ફુટેજ અને ઇમેજિસ સાથે દેખાડવામાં આવે. કોર્ટે તેના પક્ષમાં ફેંસલો સંભળાવતાં અપર્ણા ભટ્ટે કહ્યું હતું કે ‘આ આદેશને પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા પાસ કરવામાં આવ્યો છે. મને જે ઑર્ડર જોઈતો હતો એ મળી ગયો છે.’

સાથે જ આટલી નાનકડી બાબત માટે તેને કોર્ટમાં જવું પડ્યું એને લઈને  અપર્ણા ભટ્ટે કહ્યું હતું કે ‘મને એ વાતનું ખૂબ દુ:ખ છે કે જે વસ્તુ ખૂબ સરળતાથી થઈ શકતી હતી એ મેળવવા માટે મારે કોર્ટમાં જવું પડ્યું હતું. આ તો ફિલ્મમેકર્સ મને પૂછ્યા વગર પણ કરી શકતા હતા. હવે શું થશે એની મને જાણ નથી, પરંતુ તેઓ આ આદેશને કોર્ટમાં પડકાર આપશે. મને નથી લાગતું કે તેઓ શાંત બેસે. તેમની લાગવગ ઘણી છે. તેઓ આ ઑર્ડરને ચૅલેન્જ કરશે. તેમને દરેક પ્રકારના વકીલો પોસાય એમ છે.’

આ પણ વાંચો : મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં છપાક થઈ ટૅક્સ-ફ્રી

ફિલ્મ માટે તેણે કેવા પ્રકારનું યોગદાન આપ્યું છે એ પૂછવામાં આવતાં અપર્ણા ભટ્ટે કહ્યું હતું કે ‘હું આ સવાલનો કેવી રીતે જવાબ આપું એ કહી નથી શકતી. હું એ તો નહીં કહું કે મેં કેટલું યોગદાન આપ્યું છે. મેં એ પ્રોસેસને સપોર્ટ કર્યો હતો અને હું ખૂબ થોડા સમય માટે જ એમાં જોડાયેલી હતી. ફિલ્મની આઉટલાઇન મેં તેમને આપી હતી. મેં તેમને એ લખીને દેખાડી હતી. એના માટે તેઓ મને ક્રેડિટ આપવાના હતા. જોકે તેમણે એને ચેન્જ કર્યું અને શું કામ ચેન્જ કર્યું એની મને જાણ પણ નથી. એની સાથે મારે કોઈ સંબંધ પણ નથી.’

deepika padukone meghna gulzar vikrant massey bollywood news