ચેન્નઈમાં છવાયો રજનીમેનિયા

13 December, 2011 08:55 AM IST  | 

ચેન્નઈમાં છવાયો રજનીમેનિયા



રજનીકાન્તે ગઈ કાલે ૬૧ વર્ષ પૂરાં કરી ૬૨મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પોતાના કુટુંબીજનો સાથે આ જન્મદિવસ પસાર કર્યો હતો, પણ તેમના ચાહકોએ આ દિવસને ઉત્સવની જેમ મનાવ્યો હતો. ચેન્નઈ અને તામિલનાડુનાં અન્ય શહેરોમાં રજનીમેનિયા ગઈ કાલે ટોચ પર જોવા મળ્યો હતો. ચાહકોએ રજનીકાન્ત માટે સ્પેશ્યલ પ્રાર્થના અને આરતીઓ ગાવાના કાર્યક્રમો યોજ્યા હતા અને જુદા-જુદા સમાજસેવાના કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેડિયો ચૅનલ્સે આખો દિવસ માત્ર સુપરસ્ટારને લગતા કાર્યક્રમોનું જ આયોજન કર્યું હતું. આ ઉપરાંત ઇન્ટરનેટ પર તેઓ મૅડમ ટૂસૉ મ્યુઝિયમમાં રજનીકાન્તના મીણના પૂતળાની માગણી પણ કરશે.

રજનીકાન્તના ચાહકો માટે તેમનો આ જન્મદિવસ ઘણો વિશેષ ગણી શકાય, કારણ કે તેમની ટ્રિપલ રોલવાળી ‘રાણા’ના મુહૂર્તના દિવસથી જ તેમની તબિયત ઘણી બગડી હતી અને કિડની તથા ફેફસાંની મુશ્કેલીઓમાંથી તેઓ થોડા સમય પહેલાં જ સંપૂર્ણ સાજા થયા છે. જ્યારે રજનીકાન્તની તબિયત કપરા સંજોગોમાંથી પસાર થઈ રહી હતી ત્યારથી તેમના ચાહકોએ ભગવાનને રીઝવવાનું શરૂ કરી દીધું હતું. અત્યારે આ તકલીફમાંથી પાછા સ્વસ્થ થતાં ખૂબ જ મોટું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

રજનીકાન્તે તબિયત સારી થતાં તેમની ‘કોચાડૈયાન’નું શૂટિંગ શરૂ કર્યું છે અને ત્યાર પછી એની સીક્વલ તરીકે ‘રાણા’માં પણ કામ કરશે.

બિગ બીની શુભકામનાઓ

રજનીકાન્ત અને અમિતાભ બચ્ચન ખૂબ જ સારા મિત્રો છે અને સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર દ્વારા બિગ બીએ સાઉથના સુપરસ્ટારને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. તેમણે લખ્યું હતું કે ‘હૅપી બર્થ-ડે રજની! તમને સારું સ્વાસ્થ્ય અને જીવનમાં હજી પણ ઘણી સફળતાની શુભકામનાઓ.’