‘ચશ્મે બદ્દૂર’ની જોડી ૨૮ વર્ષ પછી ફરી સાથે

07 December, 2012 07:31 AM IST  | 

‘ચશ્મે બદ્દૂર’ની જોડી ૨૮ વર્ષ પછી ફરી સાથે




બૉલીવુડની જૂની પેઢીનું પૉપ્યુલર કપલ ફારુક શેખ અને દીપ્તિ નવલ ફરી એક વાર તેમની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રી જમાવવા તૈયાર થઈ ગયાં છે. ૮૦ના દાયકાની શરૂઆતમાં તેમણે સાત ફિલ્મો સાથે કરી હતી. હવે તેઓ નવોદિત ડિરેક્ટર અવિનાશ સિંહની ‘લિસન અમેયા’માં સાથે જોવા મળશે.

દીપ્તિ નવલ અને ફારુક શેખે ‘ચશ્મે બદ્દૂર’, ‘સાથ સાથ’, ‘કથા’, ‘ફાસલે’ જેવી યાદગાર ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. હવે ૨૮ વરસના લાંબા ગાળા બાદ ફરી એક વાર સાથે કામ કરવાથી બન્ને ખુશ છે.

ડિરેક્ટર અવિનાશ કહે છે, ‘જ્યારે અમે ફિલ્મની વાર્તા લખેલી ત્યારે જ આ કપલને ધ્યાનમાં રાખેલું. કેટલાંય વષોર્થી તેઓ સાથે જોવા મળ્યાં નથી ત્યારે લોકોમાં પણ આ વાતનું કૂતુહલ છે. હું ખૂબ ખુશ છું કે તેમણે મારા જેવા પહેલી વાર ડિરેક્શન અને પ્રોડક્શનમાં ઝંપલાવનારા પર ભરોસો મૂક્યો છે અને તેઓ આ ફિલ્મ કરી રહ્યાં છે.’

આ ઉંમરે પણ બન્નેનું ઍક્ટિંગ માટેનું કમિટમેન્ટ જબરદસ્ત છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એ પહેલાંની વર્કશૉપ દરમ્યાન પણ દીપ્તિ નવલ અને ફારુક શેખ બન્ને હાજર રહ્યાં હતાં. અવિનાશ કહે છે, ‘હું તેમની નમ્રતા અને સાથે-સાથે સેન્સ ઑફ હ્યુમર બન્નેથી ચકિત છું.’

પાછલી વયે બે વ્યક્તિઓને પ્રેમ કરતાંય એકમેકની હૂંફ અને સાથની વધુ જરૂર હોય છે એ વિષય ફિલ્મના કેન્દ્રમાં છે.