આજના સમયમાં હમ આપકે હૈં કૌન જેવી ફિલ્મ બનાવવાનું શક્ય નથી

06 March, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂરજ બડજાત્યાનું માનવું છે કે હવે વાર્તામાં મહિલાઓને માત્ર ઘર સુધી મર્યાદિત બતાવી શકાતી નથી

સૂરજ બડજાત્યા

ફિલ્મમેકર સૂરજ બડજાત્યા પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની ‘હમ આપકે હૈં કૌન...!’, ‘વિવાહ’ અને ‘હમ સાથ સાથ હૈં’ જેવી ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર સફળતા મેળવી છે. સૂરજ બડજાત્યાની આ ફિલ્મોમાં મહિલાઓને મુખ્યત્વે ગૃહિણી તરીકે દર્શાવવામાં આવી છે. જોકે સૂરજ બડજાત્યાનું માનવું છે કે સમય બદલાઈ ગયો છે અને હવે વાર્તામાં મહિલાઓને માત્ર ઘર સુધી મર્યાદિત બતાવી શકાતી નથી.

સૂરજ બડજાત્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જો આજે પણ હું એવું વિચારું કે મહિલાઓ માત્ર ઘરે બેસી રહેશે તો એ વિચાર હવે જૂનો થઈ ગયો છે. આજના સમયમાં જ્યાં બધા એક જ ઘરમાં સાથે રહેતા હોય એવી ‘હમ આપકે હૈં કૌન...!’ જેવી ફિલ્મ બનાવવાનું શક્ય નથી. જોકે પરિવારનાં મૂલ્યો આજે પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છે.’

અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરતાં સૂરજ બડજાત્યાએ કહ્યું હતું કે ‘આજે મારા સેટ પર પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ હોય છે જે એક મોટો બદલાવ છે. જ્યારે મેં કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે સેટ પર માત્ર અભિનેત્રીઓ, તેમની માતાઓ અને હૅરડ્રેસર તરીકે મહિલાઓ હાજર રહેતી હતી. હવે સેટની એનર્જી અને દૃશ્યો બન્ને બદલાઈ ગયાં છે. હવે મહિલાઓ નવા વિચારો સાથે આગળ આવે છે.’

sooraj barjatya box office entertainment news bollywood bollywood news