23 December, 2025 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉર્ડરમાં અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી અને સુદેશ બેરી
સની દેઓલની ‘બૉર્ડર 2’ આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સની દેઓલની ૧૯૯૭માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ છે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી અને સુદેશ બેરી પણ સ્પેશ્યલ કૅમિયો કરતા જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ત્રણેય કલાકારો ફિલ્મના પહેલા ભાગ ‘બૉર્ડર’માં પણ જોવા મળ્યા હતા.
‘બૉર્ડર 2’ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપતાં કહ્યું છે કે ‘ફિલ્મના ડિરેક્ટર અનુરાગ સિંહ અને પ્રોડ્યુસર નિધિ દત્તાને લાગ્યું કે પહેલી ફિલ્મના સ્ટાર્સને સીક્વલમાં લાવવાથી દર્શકો માટે આ યાદગાર અનુભવ બનશે. આ કારણે ફિલ્મમાં તેમના સેગમેન્ટ ઉમેરવામાં આવ્યા છે જેમાં જૂની અને નવી ફિલ્મનાં પાત્રો એકબીજાને મળશે. આ એક ક્રીએટિવ વિચાર છે કારણ કે પિતા-પુત્રની જોડી એટલે કે સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટી પણ એકસાથે સ્ક્રીન પર જોવા મળશે.’
મળતી માહિતી પ્રમાણે ‘બૉર્ડર 2’ માટે અક્ષય ખન્ના અને સુદેશ બેરીના ફિલ્મના ભાગનું શૂટિંગ નવેમ્બર મહિનામાં મુંબઈમાં થયું હતું. સુનીલ શેટ્ટી એ સમયે એક અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો એટલે તેના સીન ગ્રીન સ્ક્રીન પર શૂટ કરીને એમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સ ઉમેરવામાં આવી છે. ‘બૉર્ડર 2’માં વાર્તાનો ફ્લો જળવાઈ રહે એ માટે અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી અને સુદેશ બેરીની ઉંમર પણ ઓછી દેખાડવામાં આવી છે.