સની દેઓલને સૌથી વધારે ૫૦ કરોડ અને દિલજિત દોસાંઝને સૌથી ઓછા ચાર-પાંચ કરોડ રૂપિયા મળ્યા

17 December, 2025 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉર્ડર 2ના લીડ ઍક્ટર્સની ફીનો થયો ખુલાસો, પણ અહાન શેટ્ટીને કેટલા પૈસા મળ્યા એની ખબર નથી પડી

ટીઝર-લૉન્ચિંગની ઇવેન્ટમાં વરુણ ધવન, સની દેેલ અને અહાન શેટ્ટી

૧૯૯૭માં પહેલી વખત સની દેઓલની ‘બૉર્ડર’ રિલીઝ થઈ હતી અને હવે ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ આ ફિલ્મની સીક્વલ ‘બૉર્ડર 2’ રિલીઝ થવાની છે. ગઈ કાલે આ ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ‘બૉર્ડર 2’માં સની દેઓલ ફરી કુલદીપ સિંહ ચાંદપુરીનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં સની સિવાય વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટી લીડ રોલમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે સની દેઓલને ૫૦ કરોડ રૂપિયા ફીના મળ્યા છે. આ સિવાય વરુણ ધવનને ૮થી ૧૦ કરોડ રૂપિયા તેમ જ દિલજિત દોસાંઝને ચાર-પાંચ કરોડ રૂપિયા ફી મળી છે. આ ફિલ્મમાં અહાન શેટ્ટીની ફીનો ખુલાસો સુધી થયો નથી, પરંતુ કહેવાય છે કે તેને પણ સારી રકમ મળી છે.

બૉર્ડર 2ની ટીઝર-રિલીઝ પહેલાં ટીમે લીધા સિદ્ધિવિનાયકના આશીર્વાદ

૨૩ જાન્યુઆરીએ રિલીઝ થનારી ‘બૉર્ડર 2’નું ટીઝર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર-રિલીઝ પહેલાં ફિલ્મની ટીમ આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિરે ગઈ હતી. ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર, નિધિ દત્તા તેમ જ અહાન શેટ્ટી સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળ્યાં હતાં અને તેઓ બહુ ખુશ હતાં.

વિજય દિવસે બૉર્ડર 2ના ટીઝર-લૉન્ચિંગમાં સની દેઓલની આંખમાં આવી ગયાં આંસુ

આવતા વર્ષની ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થનારી સની દેઓલ, દિલજિત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી સ્ટારર ફિલ્મ ‘બૉર્ડર 2’ આવતા વર્ષની નોંધનીય ફિલ્મ છે. ફિલ્મના મેકર્સે ગઈ કાલે વિજય દિવસે ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને ભારતીય સૈનિકોની વીરતા અને બલિદાનને દેશવ્યાપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ટીઝર-લૉન્ચની ઇવેન્ટમાં સની દેઓલ પણ જોવા મળ્યો હતો. સની પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલી વખત જાહેરમાં જોવા મળ્યો હતો. આ ઇવેન્ટ-લૉન્ચના ફંક્શનમાં વાત કરતાં-કરતાં એક તબક્કે સની બહુ ઇમોશનલ થઈ ગયો હતો અને તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં.  ‘બૉર્ડર 2’ ૧૯૯૭ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલ સિખ પાત્રમાં જોવા મળશે. દિલજિત દોસાંઝનું પાત્ર ભારતીય વાયુસેનાના વિન્ગ કમાન્ડર અને પરમવીર ચક્ર વિજેતા નિર્મલજિત સિંહ સેખોં પર આધારિત છે, જ્યારે વરુણ ધવનનું પાત્ર ભારતીય સેનાના પરમવીર ચક્ર વિજેતા કર્નલ હોશિયાર સિંહ દહિયા પર આધારિત છે.

શું કામ ઊજવાય છે વિજય દિવસ?

ગઈ કાલે ભારતમાં વિજય દિવસની ઉજવણી થઈ હતી. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર ૧૬ ડિસેમ્બરે નિર્ણાયક વિજય મેળવ્યો હતો અને આ દિવસની યાદગીરીમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

border sunny deol diljit dosanjh ahan shetty varun dhawan teaser release entertainment news bollywood bollywood news