07 January, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને અનુષ્કા શર્મા અભિનીત અનુરાગ કશ્યપની ફિલ્મ બોમ્બે વેલ્વેટે વિશ્વભરમાં માત્ર ૪૩ કરોડ રુપિયાની કમાણી કરી
૨૦૧૫માં રિલીઝ થયેલી રણબીર કપૂર અને અનુષ્કા શર્માની ‘બૉમ્બે વેલ્વેટ’ને ભારે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. લગભગ ૧૧૫-૧૧૮ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મની વર્લ્ડવાઇડ કમાણી માત્ર ૪૩ કરોડ રૂપિયા રહી અને એ સુપરફ્લૉપ સાબિત થઈ હતી. હવે આ ફિલ્મની નિષ્ફળતા વિશે ફિલ્મના ડિરેક્ટર અનુરાગ કશ્યપે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે ‘જ્યારે ફિલ્મ ફ્લૉપ થઈ ત્યારે સ્ટુડિયોએ રિસર્ચ કરાવ્યું કે આખરે ‘બૉમ્બે વેલ્વેટ’ દર્શકો સાથે કેમ કનેક્ટ ન થઈ શકી. આ રિસર્ચ પછી ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. રિસર્ચ-ટીમનો દાવો હતો કે દર્શકોને રણબીર કપૂરની હેરસ્ટાઇલ નહોતી ગમી અને આ વાત જ ફિલ્મ ન ચાલવાનું મુખ્ય કારણ બની ગઈ હતી.
આ કારણની ચર્ચા કરતાં અનુરાગે કહ્યું હતું કે કોઈ દર્શક ફિલ્મની વાર્તા, રજૂઆત કે ટ્રીટમેન્ટ ન ગમવાની વાત કહી શકે; પરંતુ માત્ર હેરસ્ટાઇલને જવાબદાર ગણાવવું અત્યંત વિચિત્ર છે. અનુરાગે સ્વીકાર્યું હતું કે રણબીરનો લુક આખી ટીમની ક્રીએટિવ પસંદગી હતી અને એ સમયે એને યોગ્ય માનવામાં આવ્યો હતો. અનુરાગે વાતવાતમાં જણાવ્યું હતું કે રણબીરને ‘બૉમ્બે વેલ્વેટ’ની નિષ્ફળતાથી બહુ આઘાત લાગ્યો હતો પણ તેને આ મુદ્દે વાત કરવાનું બિલકુલ ગમતું નથી.