18 July, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘અજેય : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ અ યોગી’ નું પોસ્ટર અને યોગી આદિત્યનાથ
ફિલ્મ ‘અજેય : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ અ યોગી’ના નિર્માતાઓએ સેન્સર બોર્ડના મનસ્વી નિર્ણય સામે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. આ નિર્માતાઓએ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પર ફિલ્મની રિલીઝને મંજૂરી આપવામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. મંગળવારે આ કેસની સુનાવણી કરતાં ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને ન્યાયાધીશ નીલા ગોખલેની બેન્ચે આ મામલે CBFCને નોટિસ આપીને જવાબ માગ્યો છે. તેમણે આ મામલે કમેન્ટ કરી છે કે કાયદા દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં સેન્સર સર્ટિફિકેટ આપવું જરૂરી છે અને તેઓ આ જવાબદારીમાંથી પીછેહઠ કરી શકતા નથી. કેસની આગામી સુનાવણી આજે થશે.
‘અજેય : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ અ યોગી’ના નિર્માતાઓએ આરોપ મૂક્યો છે કે સેન્સર સર્ટિફિકેટ માટે તમામ જરૂરી દસ્તાવેજો સમયસર CBFCને સબમિટ કરવામાં આવ્યા છે તો પણ એમાં વિલંબ થઈ રહ્યો છે. નિર્માતાઓએ ફરિયાદ કરી છે કે CBFCએ ઉત્તર પ્રદેશની CM ઑફિસમાંથી ‘નો ઑબ્જેક્શન’ સર્ટિફિકેટ લાવવાની માગ કરી છે જે બિલકુલ યોગ્ય નથી.
‘અજેય : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ અ યોગી’ ૨૦૨૫ની એક ઑગસ્ટે દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આમ છતાં CBFCના વિલંબને કારણે રિલીઝ જોખમમાં મુકાઈ ગઈ છે.
શું છે ફિલ્મની સ્ટોરી?
‘અજેય : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ અ યોગી’ શાંતનુ ગુપ્તાના પુસ્તક ‘ધ મૉન્ક હુ બિકમ ચીફ મિનિસ્ટર’થી પ્રેરિત છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં યોગી આદિત્યનાથના બાળપણથી લઈને મુખ્ય પ્રધાન બનવા સુધીના સંઘર્ષો દર્શાવવામાં આવ્યા છે.