03 November, 2021 08:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
`બાગબાન`ના સ્ક્રીન રાઈટર શફીક અન્સારીનું (Shafeeq Ansari) આજે નિધન થઈ ગયું છે. આજે સવારે એટલે કે 3 નવેમ્બરના રોજ મુંબઇના કોકિલાબેન ધીરૂભાઈ હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા ઘણાં વખતથી તેઓ બીમાર હતા. તેમના દીકરા મોહસિન અંસારીએ પિતાના નિધનના સમાચારની પુષ્ઠિ કરી છે. શફીક અંસારીએ પોતાના કરિઅરની શરૂઆત વર્ષ 1974માં સ્ક્રીન રાઈટર તરીકે કરી હતી. તેમના નિધનના સમાચાર આવ્યા પછી બૉલિવૂડમાં શોકનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇના ઓશિવિરા કબ્રિસ્તાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
શફીક અંસારી (Shafeeq Ansari Death) 84 વર્ષના હતા. શફીક અંસારી પરિવારની સાથે મુંબઇના અંધેરી વિસ્તારમાં રહેતા હતા. શફીક અંસારી `બાગબાન` સહિત અનેક ફિલ્મોની સ્ક્રીન રાઇટિંગ કરી ચૂક્યા હતા. વર્ષ 1974માં તેમણે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મ `દોસ્ત`ની સ્ક્રિપ્ટ પણ લખી હતી.
ફિલ્મ `દોસ્ત`માં એક્ટર ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હાએ સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ તેમણે વર્ષ 1990માં આવેલી ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ `દિલ કા હીરા` અને પછી ફિલ્મ `ઇજ્જતદાર`માં સ્ક્રિપ્ટ લખી હતી. ત્યાર બાદ તેમણે ફિલ્મ `પ્યાર હુઆ ચોરી-ચોરી`ની સ્ક્રિપ્ટ લખી હતી, જેમાં મિથુન અને દક્ષિણ ભારતીય એક્ટર ગૌતમી હતી.
તેમણે વર્ષ 2003માં ફિલ્મ નિર્માતા બીઆર ચોપડા સાથે ફિલ્મ `બાગબાન` માટે ડાયલૉગ અને સ્ક્રિપ્ટ લખી હતી. આ ફિલ્મ લોકોએ ખૂબ જ વખાણી હતી. ફિલ્મ સુપર ડુપર હિટ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, સલમાન ખાન અને મહિમા ચૌધરી સહિત અને સિતારા જોવા મળ્યા હતા.