ઇરફાનના દીકરા બાબીલે લખ્યું, સુશાંતના મોતને તમારી લડાઇનું કારણ ન બનાવો

24 June, 2020 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઇરફાનના દીકરા બાબીલે લખ્યું, સુશાંતના મોતને તમારી લડાઇનું કારણ ન બનાવો

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી ઇરફાન ખાનનો દીકરો બાબિલ આઘાતમાં સરી પડ્યો છે. તેણે આ વર્સેટાઇલ એક્ટરના સ્મરણમાં એક બહુ હ્રદયદ્રાવક નોંધ લખી છે. સુશાંતની આત્મહત્યાને પગલે ફિલ્મ ઉદ્યોગમાં લોકો હચમચી ગયા છે અને એક યા બીજી રીતે પોતાનો આઘાત વ્યક્ત કરી રહ્યા છે.

પિતા ઇરફાન ખાનને કેન્સરમાં ગુમાવી બેઠેલા દિકરા બાબીલે સુશાંતને યાદ કરતી પોસ્ટમાં લખ્યું છે કે, “જે સાચું છે જેની પડખે લોકોએ ઉભા જ રહેવું જોઇએ પણ એ માટે સુશાંતના મોતનો ઉપયોગ કારણ તરીકે ન કરવો જોઇએ.” તેની લાંબી પોસ્ટને અંતે બાબીલે કંઇક અસ્પષ્ટ શબ્દોમાં જે વ્યક્ત કર્યું છે જે જોતા લાગે છે કે તે કહેવા માગે છે કે તે પોતે પણ ફિલ્મ ઉદ્યોગમાં જોડાવાનો છે. તેણે લખ્યું છે કે, “દર્શકો પર એ સાબિત કરવું કે મને પણ એક મોકો મળવો જોઇએ એ મારી લડાઇ છે અને મારી લડાઇ જ હોવી જોઇએ.”

બાબીલની પોસ્ટમાં હતું કે, “હજી પણ ગળે નથી ઉતરતું. મેં બે બહુ જ નિષ્ઠાવાન લોકોને ગુમાવ્યા છે અને નિષ્ઠા જ આપણી આધ્યાત્મિક સફરની ચાવી છે, અને માટે જ સુશાંતનું જવું માન્યામાં ન આવે એવો આઘાત રહ્યો. સ્વાભાવિક છે આપણે બીજાના વાંક કાઢવામાં કે કોઇ બીજી બાબત પર આનો દોષ ઢોળી રહ્યા છીએ, જે સૌથી નકામું છે કારણકે દોષના ટોપલા ઢોળવાની રમતથી જે શાંતિ મળશે તે પ્રામાણિક નહીં હોય, એ જુઠાણાનો એક ઉડતો પ્રતિભાવ છે બસ.”

 

તેણે આગળ લખ્યું છે કે, “હું તમને સૌને વિનંતી કરું છું કે આટલી કમનસીબ ઘટના માટે કોઇની પર પણ આક્ષેપ ન મુકો. હું તમને એ સ્વીકારવાની વિનંતી કરું છુ કે જિંદગી તો લેગસ્પિન ડિલવરીઝથી ભરપુર છે જે ઓફ સ્પિન બાઉન્સ થવાની છે અને તેની કોઇ ચોખવટ કે સમજણ આપવામાં નથી આવતી. તમે આ જે થયું તેના કારણ શોધવાનું બંધ કરી દો કારણકે ચર્ચાઓથી તેના નિકટનાં લોકોને પીડા જ થવાની છે. તેના બદલે આપણે આ નિષ્ઠાવાન માણસોના ઇવોલ્યુશનને ઉજવીએ, તેમના ડાહપણને અભિવ્યક્ત કરીએ અને તેમની યાદગીરીનાં નાનકડા ફાનસ આપણા સંવેદનશીલ આત્મામાં પેટાવેલા રાખીએ.”

તેની પોસ્ટનાં અંતે તેણે લખ્યું કે, “સુશાંતના મોતને કારણ તરીકે આગળ ધર્યા વિના જે સાચું છે તેને પડખે રહીએ. જો તમારે સગાવાદ સામે ક્રાંતિ કરવી હોય તો કરો પણ સુશાંતને કારણ તરીકે ન વાપરો. જે સાચું છે તેની પડખે ગમે તે સંજોગોમાં ખડા રહો. (દર્શકો પર એ સાબિત કરવું કે મને પણ એક મોકો મળવો જોઇએ એ મારી લડાઇ છે અને મારી લડાઇ જ હોવી જોઇએ.)”

આ પહેલા બાબીલનાં મમ્મી, ઇરફાનનાં પત્ની સુતાપા સિકદરે પણ સુશાંતનાં મોત અંગે એક લાંબી નોંધ લખી હતી અને જે પ્રકારનાં સમાચારો આવી રહ્યા છે તે અંગે તે શું અનુભવે છે તે વ્યક્ત કર્યું હતું. તેણે કરુણાનું મહત્વ જણાવતા ફેસબુક પર લખ્યું હતું કે, “જે છોકરીઓનાં નામ આ સમાચારોમાં આવે છે તેમની મને ચિંતા થાય છે. કલ્પના કરો કે રિયાને અત્યાર સુધીમાં કેટલા લોકોએ ટ્રોલ કરી હશે. બે વ્યક્તિઓ વચ્ચે શું થાય છે એ આપણને ક્યારેય ખબર નથી પડતી. સોશ્યલ મીડિયા પર મોરલ જજમેન્ટ આપવું બેહુદુ કહેવાય. પીડા સાથે સમાધાન કરીએ ત્યારે આપણે બીજાઓ પ્રત્યે બહુ સારી પેઠે કરુણા વિકસાવી શકતા હોઇએ છીએ. પીડામાંથી ઘણું શીખી શકાય છે. સુશાંતના મૃત્યુ ટાણે ઝેર ઓકનારાઓ પોતાને સિમ્પથાઇઝર્સ કહેતા હતા એ મને જરાય ન ગમ્યું, મને બહુ પીડા થઇ. લોકો ભૂલી ગયા છે કે મૃત્યુ પામેલાઓનો મલાજો રાખવો જોઇએ.”

sushant singh rajput irrfan khan bollywood news entertainment news