યુવાનો કોરોના વાઇરસને સિરિયસલી લે એ ખૂબ જ જરૂરી છે : અર્જુન કપૂર

28 October, 2020 03:12 PM IST  |  Mumbai | Harsh Desai

યુવાનો કોરોના વાઇરસને સિરિયસલી લે એ ખૂબ જ જરૂરી છે : અર્જુન કપૂર

અર્જુન કપૂર

કોરોના વાઇરસમાંથી સારો થયા બાદ અર્જુન કપૂરે ફરી કામ શરૂ કરી દીધું છે. જોકે તેનું કહેવું છે કે આ વાઇરસને યુવાનો ખૂબ જ સિરિયસલી લે એ ખૂબ જ જરૂરી છે. પૉઝિટિવ આવ્યા બાદ તેણે પોતાને ઘરમાં ક્વૉરન્ટીન કરી લીધો હતો અને એ દરમ્યાન તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હતો અને તે માનસિક રીતે કેટલો સ્ટ્રૉન્ગ હતો એ વિશે તેણે વાત કરી હતી. આજે યુવાનો એમ માનીને ચાલી રહ્યા છે કે તેમની ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ સારી હોવાથી કોરોના વાઇરસ તેમનું કંઈ બગાડી શકે એમ નથી. જોકે અર્જુને તેમને આ વાઇરસને ખૂબ જ સિરિયસલી લેવાની વાત કહી છે. આ વિશે અર્જુન કપૂરે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ :
તું જ્યારે પૉઝિટિવ આવ્યો ત્યારે તારું રીઍક્શન શું હતું? તેં શૂટિંગ શરૂ જ કર્યું હતું એથી તારા દિમાગમાં શું ચાલી રહ્યું હતું?
હું ખૂબ જ કન્ફ્યુઝ્ડ હતો. હું મિક્સ ઇમોશન્સને ફીલ કરી રહ્યો હતો. હું અપસેટ હતો, કારણ કે મારે મારી લાઇફને નવેસરથી શરૂ કરી ફરી સેટ પર પહોંચવાનું હતું. મેં થોડા દિવસ માટેનું શૂટિંગ કર્યું હતું. બીજા શેડ્યુલને શરૂ કરવા માટે મેં ટેસ્ટ કરાવી હતી અને હું ખૂબ જ દુખી થઈ ગયો હતો કે મારા કારણે શૂટિંગ કૅન્સલ કરવામાં આવ્યું હતું. મેં નક્કી કર્યું હતું કે મારે હવે ખૂબ જ સાચવીને રહેવું પડશે જેથી આ વાઇરસ મારા ઘરમાં મારી બહેન અને મારા ફૅમિલી મેમ્બર સુધી ન પહોંચે. ચિંતાની સાથે હું કન્ફ્યુઝ્ડ, ગુસ્સે અને ઇરિટેટ પણ થઈ રહ્યો હતો. જોકે હું થોડો શાંત રહી પ્રૅક્ટિકલ બની આ પરિસ્થિતિને કન્ટ્રોલ કરી રહ્યો હતો. આપણે આ નવી પરિસ્થિતિમાં સેટલ થયા બાદ એક રવિવારની સવારે અચાનક આ સામે આવે છે અને એનો આપણે સ્વીકાર કરવો રહ્યો. મને આ વાઇરસે કેટલી અસર કરી છે અને વધુ ચિંતાની જરૂર નથી એ વિશે ડૉક્ટર સાથે વાત કરવા માટે મને અંદાજે છથી આઠ કલાક લાગ્યા હતા. ફોનની સામેની વ્યક્તિ એકદમ શાંતિથી તમને કહે કે ડરવાની કોઈ જરૂર નથી, નૉર્મલ છે ત્યારે તમને ખૂબ જ સારું લાગે છે. ડૉક્ટર સાથે વાત કરીને મને ખૂબ જ સારું લાગ્યું હતું, કારણ કે હું એસિમ્પ્ટમમૅટિક હતો. મને ખૂબ જ હલકાં લક્ષણ હતાં જેથી હું જલદી સાજો થયો હતો. જોકે શરૂઆતના કેટલાક કલાક ખૂબ જ મુશ્કેલ હતા.
તારી રિકવરી વિશે જણાવ. આ વાઇરસને બૉડીમાંથી નીકળતાં ઘણો સમય લાગે છે, એથી એની પ્રોસેસ વિશે જણાવ. આ સમય દરમ્યાન તું કેવી રીતે પૉઝિટિવ રહ્યો?
મારા માટે ખૂબ જ સારી વાત એ હતી કે હું મારી બહેન અંશુલા સાથે રહું છું, જેણે મારી રૂમને આઇસોલેશન માટે તૈયાર કરી હતી. હું મારાં વાસણ ધોતો હતો અને મોટા ભાગે ડિસ્પોઝેબલ ડિશમાં ખાતો હતો. હું ફક્ત આરામ કરતો હતો અને રિકવર થતો હતો. તેમ જ એચ. એન. રિલાયન્સનો પણ મારે આભાર માનવો રહ્યો. તેમની વિડિયો ઍપની મદદથી હું ડૉક્ટર સાથે સીધી વાત કરી શકતો હતો. દરરોજ ડૉક્ટર, સાઇકોલૉજિસ્ટ, નર્સ, ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશ્યન જેવા દરેક જણ મારી સાથે રેગ્યુલર આ વિડિયો ઍપ દ્વારા વાત કરતા હતા. તેઓ મારી રિકવરીનો રેકૉર્ડ ટ્રૅક કરતા હતા. ડૉક્ટરે મને કહ્યું હતું કે દસ અથવા તો 14 દિવસ પછી આ વાઇરસ બીજી વ્યક્તિને પાસ નથી થઈ શકતો, પરંતુ મારે શૂટિંગ કરવાનું હતું અને હું નહોતો ઇચ્છતો કે મારા કારણે અન્ય કોઈ વ્યક્તિ પૉઝિટિવ બને એથી મેં તમામ તકેદારી રાખી હતી. ડૉક્ટર સાથે વિડિયો કૉલની લક્ઝરી અને ઘરનો સપોર્ટ હોવાથી મારી રિકવરી ખૂબ જ સારી બની હતી. સેટ પર પાછો ફરવા માટે મારો રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી હતો. 14મા દિવસે ડૉક્ટરે મને મારી રૂમની બહાર આવવાની છૂટ આપી હતી. હું ટેરેસમાં વૉક કરતો હતો, પરંતુ ખૂબ જ સાવચેત રહેતો હતો. મારું ઇમ્યુનિટી લેવલ ઓછું હતું. મારામાં થોડી સ્ટ્રેંગ્થ આવે એ જરૂરી હતું જેથી મેં વૉકિંગ શરૂ કર્યું હતું. 20 સપ્ટેમ્બરે મેં એ શરૂ કર્યું હતું અને આજે ઑક્ટોબરનો અંત આવી ગયો છે. મને લાગે છે કે હવે હું 100 ટકા સાજો છું. આ ઇન્ટરવ્યુ વાંચનાર અથવા તો જે લોકો એમ માને છે કે લાંબા સમયે આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી તેમને હું જણાવી દઉં છું કે ઘણી વાર તમને ઘણી સમસ્યા આવશે અને થાક પણ લાગશે. ફટિગ અને ફિટનેસ ન હોવાથી આવેલી સુસ્તી રાતોરાત નથી જતી રહેતી. આ કંઈ ફ્લુ જેવું નથી. એનાં લક્ષણ ફ્લુ જેવાં છે, પરંતુ તમારે ખૂબ જ તકેદારી રાખવાની અને ફિટ રહેવાની જરૂર છે. તમે બેડમાંથી ઊભા થઈને તરત જ દોડવા લાગી જશો એવું નથી. સેટ પર ફરી જવા માટેની ઉત્સુકતાએ મને મોટિવેટ કર્યો હતો. મારી પાસે મારી બહેન અને મારા સપોર્ટ સિસ્ટમ હતાં. મને ખબર હતી કે એક વાર હું એમાંથી બહાર નીકળી જઈશ ત્યાર બાદ હું એની નેગેટિવ સાઇડને નજરઅંદાજ કરીશ. મને આ બીમારી થઈ હતી અને એમાં મારો એક મહિનો ખરાબ થઈ ગયો એ વિશે હું નહીં વિચારું એ મેં નક્કી કરી લીધું હતું. નેગેટિવ આવ્યા પહેલાં અને લોકોને મળવા પહેલાં મારા 21 દિવસ બગડ્યા હતા. જોકે મારો ઉત્સાહ એટલા માટે રહ્યો હતો કે આ બધું પૂરું થઈ ગયા બાદ ઘરની બહાર નીકળતી વખતે મારે મારી ઊંઘ ખરાબ કરવી નહીં પડે. હું હાલમાં ઘરની બહાર નીકળું છું, પરંતુ ખૂબ જ સાવચેતી રાખું છું કારણ કે મારે ઝીરો પૉઇન્ટ ઝીરો એક પર્સન્ટ પર આ વાઇરસની સંગતમાં ફરી નથી આવવું. આ વાઇરસને હું હરાવી દઈશ એ વિચારીને હું મોટિવેટેડ રહેતો હતો. આજે પણ હું જ્યારે બહાર નીકળું છું ત્યારે માસ્ક પહેરું છું અને સોશ્યલ ડિસ્ટન્સ રાખું છું.
તું એક યુવાન છે અને તને આ વાઇરસ અસર કરી ગયો. સેફ રહેવા માટે આજના યુવાનને શું ઍડ્વાઇઝ આપીશ?
કોરોના વાઇરસને સિરિયસલી લેવો ખૂબ જ જરૂરી છે. મને ખૂબ જ નજીવાં લક્ષણ હતાં એમ છતાં મને રિકવર થતાં ખૂબ જ સમય લાગ્યો. જો તમે માનતા હો કે તમે યુવાન છો અને તમને કંઈ નહીં થાય તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. એ તમને પણ થઈ શકે છે અને કોઈને પણ થઈ શકે છે. તમે તમારા પેરન્ટ્સ અને તમારા ફૅમિલી મેમ્બર્સમાં પણ એ પાસ કરી શકો છે. આપણે બધા જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ અને સાથે મળી તહેવારને સેલિબ્રેટ કરીએ છીએ. આપણે ખૂબ જ સોશ્યલ હોઈએ છીએ એથી આપણે આ સમયે સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી એકબીજાની નજીક ન જવું જોઈએ. જે લોકો કામ કરતા હોય તેમણે સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. હું જ્યારે કામ કરવા જાઉં ત્યારે હું મારા ફૅમિલી કે ફ્રેન્ડ્સને નથી મળતો. હું જ્યારે શૂટ માટે જાઉં છું ત્યારે એ વાતની ખાતરી રાખું છું કે હું કોઈ સોશ્યલ ઍક્ટિવિટીમાં હાજર નહીં હોઉં. મારું માનવું છે કે આ રીતે તમે તમારા ફૅમિલી અને ફ્રેન્ડ્સને વાઇરસથી બચાવી શકો છો. આ ખૂબ જ જરૂરી છે. તમે યુવાન હો અને તમને લાગે કે તમને કંઈ નહીં થાય, પરંતુ એ વાઇરસ જ્યારે તમારા પેરન્ટ્સમાં જાય છે ત્યારે તેમની તબિયત બગડી શકે છે. જો આ વાઇરસને કારણે તેમને કંઈ થયું તો તમે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકો. તમે કોઈને દુઃખ પહોંચાડો એના કરતાં આ ખતરનાક છે. આથી આપણે કોઈની લાઇફને રિસ્કમાં ન મૂકવી જોઈએ.
તું હવે જ્યારે સારો થઈ ગયો છે ત્યારે તું શું પોતાને એકદમ ફિટ માને છે?
સો ટકા ફિટ હોવું એ ફક્ત મગજમાં ચાલતું હોય છે. હું હાલમાં પૉઝિટિવ, રિલૅક્સ્ડ અને શાંતિ અનુભવી રહ્યો છું. હું હાલમાં સેટ પર જઈને મારા કામમાં 200 ટકા આપવાની કોશિશ કરી રહ્યો છું. જોકે એમ છતાં હું થોડી સાવચેતી રાખું છું, કારણ કે ડૉક્ટરે મને ધીમે-ધીમે આગળ વધવાની સલાહ આપી છે. આથી હું પોતાને કોઈ પણ કામ માટે પુશ નથી કરી રહ્યો. હું માનસિક રીતે 100 ટકા સ્વસ્થ છું, પરંતુ ફિઝિકલી 84થી 92 ટકાની વચ્ચે છું. હું રિકવર કરી રહ્યો છું. આ દિવાળી દરમ્યાન હું ફિટ થઈ જઈશ અને આ ચેપ્ટરને પાછળ મૂકી નવી શરૂઆત કરીશ એવું વિચારી રહ્યો છું.
આ વર્ષમાં તારી એક પછી એક ફિલ્મનું અને ઍડનું શૂટિંગ છે. એની તું આતુરતાથી રાહ જોઈ રહ્યો હશે
મને કોરોના થયો હતો એનો મતલબ એમ નથી કે બધું મારા પ્લાન મુજબ થશે. આ સમયે હું એટલી આશા રાખી રહ્યો છું કે દરેક વસ્તુ પ્લાન કરી હતી એ મુજબ પાર પડે. મને ફક્ત આશા છે અને હું એ વિશે ભગવાનને પ્રાર્થના કરી શકું છું. આપણે બધાએ સાવચેત રહીને આપણું કામ કરવું પડશે. દરેક શૂટ, આઉટડોર અને શેડ્યુલનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. એ પહેલાં દરેકની ટેસ્ટ કરવામાં આવશે અને એ લોકો પ્રોટોકૉલને ફૉલો કરે એની તકેદારી રાખવામાં આવશે જેથી વાઇરસને હરાવી શકાય. હું સેટ પર જઈને કામ કરવાની રાહ જોઈ રહ્યો છું, કારણ કે એ એક ટીમ એફર્ટ છે. હું ફરી સેટ પર આવી, લોકોને મળી અને આઇડિયાની આપલે કરીને દરેક દિવસને સામાન્ય બનાવી વાઇરસને હરાવવાની કોશિશ કરી રહ્યો છું.

arjun kapoor bollywood news