દિલ્હીમાં ટૅક્સી-રેપની ઘટનાથી બૉલીવુડ વ્યથિત

10 December, 2014 05:46 AM IST  | 

દિલ્હીમાં ટૅક્સી-રેપની ઘટનાથી બૉલીવુડ વ્યથિત


દિલ્હીમાં મહિલાઓ સલામત નથી - સોનમ કપૂર



આવી ઘટના બને એ ખરાબ બાબત છે. મુંબઈની સરખામણીમાં દિલ્હીમાં મહિલાઓ સલામત નથી. પ્રામાણિકપણે કહું તો આમાં કૅબ-કંપનીનો કોઈ વાંક નથી. આમાં તો ઘણી રીતે સરકારનો વાંક છે, કારણ કે કૅબ-ડ્રાઇવરને પોલીસે જ કૅરૅક્ટર સર્ટિફિકેટ આપ્યું હતું. એથી સરકારે હવે આ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને ગુનેગારને સજા થાય એમ કરવું જોઈએ. શું તમે એમ કહેવા માગો છો કે પબ્લિક ટ્રાન્સર્પોટ વેહિકલમાં રેપ થાય તો તેઓ એને પણ બંધ કરી દેશે? હું માનું છું કે એનાથી ફાયદો નથી થવાનો. નીયત ઇન્સાન કી ચેન્જ હોની ચાહિએ. તમે કોઈ ચીજ પર પ્રતિબંધ ન લગાવી શકો.

ગુનેગારોને ઝડપી સજા થવી જોઈએ - આમિર ખાન


હમણાં જે ઘટનાઓ બને છે એમાં એક વાત નક્કી છે કે ન્યાય મળતાં ઘણો લાંબો સમય લાગે છે. સજા કરવાનો દર ઘણો ઓછો છે. મહિલા અને બાળકો સામેના ગુનાઓમાં ગુનેગારોને સજા ઝડપથી થવી જોઈએ અને એ સાથે આપણે લોકોના માઇન્ડસેટ બદલવાનો પણ પ્રયાસ કરવો જોઈએ કે આપણે કેવી રીતે વિચારીએ છીએ.

આવી ઘટનાથી ખરેખર ચીડ ચડે છે - વરુણ ધવન

દેશમાં રેપની ઘટનાઓ સાંભળીને ખરેખર ચીડ આવી જાય છે. મને આશ્ચર્ય થાય છે કે ભારત આ વિશે કંઈ પગલાં ક્યારે ભરશે? દિલ્હીમાં જે રેપની ઘટના બની છે એ દેશ માટે શરમજનક બાબત છે. પ્રામાણિકપણે કહીએ તો આવી ઘટનાઓ વિશે વારંવાર સાંભળીએ એટલે સંતાપ પણ થાય છે. આને અટકાવવા માટે આપણે કેમ કંઈ પગલાં નથી લેતા?