કલકત્તાની એક રેસ્ટોરાંમાં ડિનરને કારણે બિપાશા હિરોઇન બની ગઈ!

17 February, 2020 12:05 PM IST  |  Mumbai | Ashu Patel

કલકત્તાની એક રેસ્ટોરાંમાં ડિનરને કારણે બિપાશા હિરોઇન બની ગઈ!

બિપાશા બાસુ

૧૯૯૬માં બિપાશા બાસુ ૧૭ વર્ષની હતી ત્યારે કલકત્તાની ‘ધ પાર્ક’ હોટેલમાં ડિનર માટે ગઈ હતી. બિપાશા ડિનર લઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવી. તેણે બિપાશાને કહ્યું કે ‘તું મૉડલ કે હિરોઇન બની શકે એવો ચહેરો અને શરીર ધરાવે છે. તારે મૉડલિંગ કરવું જોઈએ.’

બિપાશાને પહેલાં તો ગુસ્સો આવ્યો. તેને લાગ્યું કે કોઈ અજાણી વ્યક્તિ આ રીતે કહે છે એટલે કદાચ તે મજાક ઉડાડતી હશે. હોટેલમાં કોઈ પરિચિત કે ફ્રેન્ડ હશે તેણે આ વ્યક્તિને મારી મજાક કરવા મોકલી હશે. 

જોકે તેણે આજુબાજુ નજર દોડાવી તો કોઈ પરિચિત ચહેરો દેખાયો નહીં. બિપાશાને લાગ્યું કે મેં આ વ્યક્તિને કદાચ ક્યાંક જોઈ હોય એવું લાગે છે.

તેણે તે વ્યક્તિને પૂછ્યું, ‘તમે મારી મજાક ઉડાડી રહ્યા છો?’
 
જોકે તે વ્યક્તિએ કહ્યું કે ‘હું એકદમ સિરિયસલી તમને આ કહી રહી છું.’

બિપાશાને એ વ્યક્તિની આંખોમાં જોઈને તેના પર થોડો ભરોસો બેઠો. એ પછી તે વ્યક્તિએ બિપાશાને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. એ કાર્ડમાં નામ વાંચીને બિપાશાને જાણે કરન્ટ જ લાગ્યો હતો. તેને મૉડલિંગની સલાહ આપનારી તે વ્યક્તિ હતી સુપરમૉડલ મેહર જેસિયા!

બિપાશા બાસુને તેના ઓર ભરોસો બેસી ગયો. મેહર જેસિયાએ તેને ગોદરેજ સિન્થોલ બ્યુટી કૉન્ટેસ્ટનું ફૉર્મ ભરવાની સલાહ આપી.
 
બિપાશાએ એ ફૉર્મ ભરી દીધું. તેને એમ હતું કે મૉડલ બનવાનું એમ કાંઈ સહેલું નથી એટલે ઘરમાં વાત કરવાનું તેણે ટાળ્યું હતું.
 
જે દિવસે એ કૉન્ટેસ્ટ હતી એ સાંજે તે ઘરે એવું જૂઠું બોલીને ગઈ કે હું મારી એક ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં જાઉં છું.

બિપાશા એ કૉન્ટેસ્ટમાં વિજેતા બની. એ સાથે તેનો આત્મવિશ્વાસ વધી ગયો. તેણે નાનાં-મોટાં મૉડલિંગ અસાઇનમેન્ટ સ્વીકારવા માંડ્યાં. સિન્થોલ મૉડલ કૉન્ટેસ્ટમાં તે વિનર બની એ પછી તેનો ઉલ્લેખ સુપરમૉડલ તરીકે થવા લાગ્યો. તેને ન્યુ યૉર્કમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ મૉડલ કૉન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી.

આ પણ વાંચો : લુકને સિરિયસલી લેવું એ ઍક્ટરના કામનો એક પાર્ટ છે : કુણાલ ખેમુ

મૉડલ તરીકે નામના મળી એટલે બિપાશાની મહત્વાકાંક્ષા વધી અને તેણે હન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિરોઇન બનવાનું વિચાર્યું. રૂપેરી પડદે ચમકવાની ઝંખના સાથે તે ૧૯ વર્ષની ઉંમરે મુંબઈ આવી.
 
એ વખતે બિપાશાએ કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. તેની પાસે બહુ પૈસા નહોતા અને તે શક્ય હોય ત્યાં સુધી ઘરેથી પૈસા લેવાનું ટાળતી હતી. બિપાશાના સંઘર્ષના સમયની વાતો ફરી ક્યારેક કરીશું.

bipasha basu bollywood news entertaintment ashu patel