આ વખતે ‘બિગ બૉસ’નું ઘર દર વખત કરતાં ‘અલગ છે’

07 October, 2012 06:30 AM IST  | 

આ વખતે ‘બિગ બૉસ’નું ઘર દર વખત કરતાં ‘અલગ છે’

આ શો માટે ૧૫,૦૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં ‘બિગ બૉસ’નું ઘર તૈયાર કરવામાં આવ્યું છે જે અત્યાર સુધીની તમામ સીઝન કરતાં અલગ અને વિશાળ છે. વળી આ ઘર તૈયાર કરતી વખતે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ફૂલોની ડિઝાઇનવાળા વિશાળ રૂમ

‘બિગ બૉસ’ની આ સીઝનમાં પુરુષ અને સ્ત્રીસ્પર્ધકો માટે બે અલગ વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને આ રૂમમાં સફેદ, પીળો, નારંગી અને લીલા રંગના બ્રાઇટ કૉમ્બિનેશનનો ઉપયોગ થયો છે. આ રૂમમાં દરેક સ્પર્ધકને પૂરતી મોકળાશ મળી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. શોમાં ઘરના વડા એટલે કે કૅપ્ટનને અટૅચ્ડ બાથરૂમવાળા અલાયદા રૂમની સુવિધા મળશે. આ રૂમમાં સ્પર્ધકો માટે અનોખાં ફૂલોની પાંદડીવાળી ડિઝાઇનના પલંગ હશે જેને કારણે કોઈ સ્પર્ધકને બધાથી અલગ પડી જવું હશે તો એ પોતાનો બેડ અલગ કરી શકશે. આ સિવાય બીજા રૂમમાં ડબલ અને સિંગલ બેડની પણ વ્યવસ્થા હશે.

કન્ફેશન-રૂમ

‘બિગ બૉસ’ની આ સીઝનમાં કન્ફેશન-રૂમને બોરિંગ ડાર્કરૂમને બદલે મેટાલિક ફિનિશવાળા નવા જમાનાના આકર્ષક રૂમમાં તબદિલ કરવામાં આવ્યો છે. એ સિવાય જેલનું સ્થાન આ સીઝનમાં રહસ્યમય પૅનિક-રૂમે લઈ લીધું છે. જ્યારે પણ કોઈ સ્પર્ધક આ રૂમની મુલાકાત લેશે ત્યારે તેને ચોક્કસપણે કોઈક અણગમતી સરપ્રાઇઝ મળશે.

હૅન્ડપમ્પ, વાંદરાઓ અને માછલીઓ


‘બિગ બૉસ’ના આખા ઘરમાં ૭૦ જગ્યાએ કૅમેરા લગાવવામાં આવ્યા છે. આ સિવાય સ્પર્ધકોના મનોરંજન માટે ચોથી ખાલી જગ્યા ધરાવતા ત્રણ વાંદરાઓ (બૂરા મત દેખો, બૂરા મત સૂનો, બૂરા મત બોલો)નું સ્ટૅચ્યુ ગાર્ડન એરિયામાં લગાવવામાં આવ્યું છે. એ સિવાય ગાર્ડન એરિયામાં  પૂલસાઇટ, જિમ્નેશ્યમ, માછલીઘર અને હૅન્ડપમ્પ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.