મધ્ય પ્રદેશને ફિલ્મોમાં પ્રમોટ કરવાની સલાહ આપી સલમાને

05 February, 2020 02:57 PM IST  |  Bhopal

મધ્ય પ્રદેશને ફિલ્મોમાં પ્રમોટ કરવાની સલાહ આપી સલમાને

સલમાન ખાન

સલમાન ખાને મધ્ય પ્રદેશ પહોંચીને એ રાજ્યને ફિલ્મોમાં પ્રમોટ કરવાની સલાહ બૉલીવુડને આપી છે. સલમાનનો જન્મ ઇન્દોરમાં થયો હતો. સલમાનની ‘દબંગ 3’નું મોટા ભાગનું શૂટિંગ પણ ઇન્દોરમાં થયું હતું. IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી)નું આયોજન ઇન્દોરમાં ૨૭ માર્ચથી ૨૯ માર્ચ સુધી થવાનું છે. એની જાહેરાત કરવા માટે સલમાનની સાથે જૅકલિન ફર્નાન્ડિસ અને રાજ્યના મુખ્ય પ્રધાન કમલનાથ હાજર હતા. એ દરમ્યાન મધ્ય પ્રદેશના ટૂરિઝમને પ્રમોટ કરવાની વાત કરતાં સલમાને કહ્યું હતું કે ‘અમે ખૂબ જ પ્રવાસ કરીએ છીએ. ફિલ્મ જો બૉક્સ-ઑફિસ પર સારી ન પણ ચાલે તો સૅટેલાઇટ અને ડિજિટલ પ્લૅટફૉર્મના માધ્યમથી લોકો ફિલ્મો જુએ છે. અમે એ સ્થાનને પ્રમોટ કરીએ છીએ. આવી રીતે ટૂરિઝમનો વિકાસ કરી શકાય છે. તમે જ્યારે પણ કોઈ ફિલ્મ ટેલિવિઝન અથવા તો ડિજિટલ પર જુઓ તો તમને ખ્યાલ આવશે કે એનું શૂટિંગ ઇન્દોર અથવા તો ભોપાલમાં કર્યું હોય છે. એથી જ્યારે ફૅન્સ એને જુએ છે ત્યારે એ સ્થળની મુલાકાત લે છે. ઇન્દોર અને ભોપાલ ખૂબ સુંદર શહેરો છે. જો ફિલ્મોનું શૂટિંગ ત્યાં ન કરવામાં આવે તો એનો શો ફાયદો?’

સલમાન ખાનને આરામ કરવાનો સમય નથી મળતો : જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે સલમાન ખાન એટલો તો બિઝી હોય છે કે તેને આરામ કરવાનો સમય નથી મળતો. આ બન્ને ‘કિક’માં સાથે જોવા મળ્યાં હતાં. સલમાન વિશે જણાવતાં જૅકલિને કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે હું સલમાન વિશે કંઈ ખાસ જાણતી હોઉં. જોકે મેં જ્યારથી તેની સાથે કામ કરવાની શરૂઆત કરી છે ત્યારથી એક વાત જાણવા મળી છે કે તેને ઊંઘવાનો સમય નથી મળતો. તે સવારે, બપોરે અને રાતે પણ કામ કરતો હોય છે. તે કાં તો ટ્રાવેલિંગ કરતો હોય છે કાં તો ‘બિગ બૉસ’ના સેટ પર હોય છે અથવા તો ગીતનું શૂટિંગ કરતો હોય છે. તે હંમેશાં સતત કામ કરતો હોય છે. પ્લીઝ, થોડો આરામ કરી લે.’

Salman Khan jacqueline fernandez bollywood news