લૌટ આઓ ત્રિશાથી ભાગ્યશ્રીની નવી ઇનિંગ્સ શરૂ

20 June, 2014 06:24 AM IST  | 

લૌટ આઓ ત્રિશાથી ભાગ્યશ્રીની નવી ઇનિંગ્સ શરૂ


લાઇફ ઓકે ચૅનલ પર શરૂ થઈ રહેલી આ સિરિયલમાં એક એવી મમ્મીની વાત છે જેની દીકરી ગુમ થઈ છે અને તે પોતાની દીકરીને શોધી રહી છે. આ કૅરૅક્ટરમાં રહેલી માની પીડા અને દીકરીને શોધવા માટેની તેની મહેનત અને લગન જોઈને ભાગ્યશ્રીએ આ રોલ કરવાની હા પાડી હતી. ભાગ્યશ્રીએ કહ્યું હતું કે લાંબા સમય પછી એન્ટરટેઇનમેન્ટ-ઇન્ડસ્ટ્રીમાં આવી રહી છું ત્યારે આ પ્રકારનો રોલ મળવાથી ખરેખર આનંદ થઈ રહ્યો છે.’

જુલાઈ મહિનાથી શરૂ થઈ રહેલા આ શોમાં ભાગ્યશ્રી અમ્રિતા સ્વૈકાનું કૅરૅક્ટર કરે છે. અમ્રિતા પોતાની દીકરીને શોધવા માટે ઘર છોડે છે અને ત્યાંથી તેની એક નવી સફર શરૂ થાય છે. પોતાની એ સફર દરમ્યાન અમ્રિતાને પોતાના જ પરિવારના અને સંબંધોના એવા જાતજાતના અને ભાતભાતના અનુભવ થાય છે અને એ અનુભવો વચ્ચે પણ તે દીકરીને શોધવાનું પોતાનું કામ પડતું નથી મૂકતી. ભાગ્યશ્રીએ કહ્યું હતું કે ‘આજના સમયમાં કંઈ બ્લૅક કે કંઈ વાઇટ નથી રહ્યું, પણ આપણે બધા હવે ગ્રે શેડના થઈ ગયા છીએ. દરેક સંબંધોનું એક અલગ રૂપ છે અને એ જ્યારે સામે આવે છે ત્યારે ઝાટકો આપે છે.’

ભાગ્યશ્રીએ પોતાની કરીઅરની શરૂઆત પણ ૧૯૮૭માં ટીવી-સિરિયલ ‘કચ્ચી ધૂપ’થી કરી હતી. એ ઉપરાંત ભાગ્યશ્રીએ ‘આંધી જઝબાતોં કી’ અને ‘દીદી કા દુલ્હા’ જેવી ડેઇલી સોપ પણ કરી હતી, તો ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’ની ત્રીજી સીઝનમાં પણ તે કન્ટેસ્ટન્ટ હતી.