17 February, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ભાબીજી ઘર પર હૈં’
‘ભાબીજી ઘર પર હૈં’ ટીવીજગતનો લોકપ્રિય શો છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પછી આ એકમાત્ર કૉમેડી ફૅમિલી શો છે જે લાંબા સમયથી ચાલી રહ્યો છે અને દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવી રહ્યો છે. હવે આ શોને ફિલ્મ તરીકે રજૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને આ વાત ફિલ્મના મુખ્ય કલાકાર આસિફ શેખે સ્વીકારી છે. આસિફ શેખ આ શોમાં વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર ભજવી રહ્યો છે.
આસિફ શેખે એક ઇન્ટવ્યુમાં જણાવ્યું છે કે ‘અમે હવે ફિલ્મ સાથે આવી રહ્યા છીએ. ‘ભાબીજી ઘર પર હૈં’ પરથી અમારી ફિલ્મ આવી રહી છે. અમને લોકોએ આ ૧૦ વર્ષોમાં બહુ પ્રેમ આપ્યો છે અને અમે પણ હંમેશાં પ્રયાસ કર્યો છે કે અમે તેમને કંઈક નવું આપતા રહીએ.’
આ શોમાં અનીતાભાબીજીના રોલમાં દેખાઈ રહેલી વિદિશા શ્રીવાસ્તવે કહ્યું છે કે ‘આ શો ૭૦ એમએમમાં દેખાશે ત્યારે એ ખરેખર ખૂબ મોટી સિદ્ધિ હશે. અત્યાર સુધી તમે જેટલું જોયું છે એના હિસાબે આ ફિલ્મ વિઝ્યુઅલી અને સ્ક્રિપ્ટના હિસાબે પણ ઘણી અલગ હશે. હા, કન્સેપ્ટ તો એ જ રહેશે પણ એનું પ્રેઝન્ટેશન ગ્રૅન્ડ હશે.’