‘ભાભીજી ઘર પર હૈં’ની સૌમ્યા ટંડનને ઇસ્તનબુલમાં ટૅક્સી-ડ્રાઇવરે લૂંટી લીધી

11 June, 2017 07:22 AM IST  | 

‘ભાભીજી ઘર પર હૈં’ની સૌમ્યા ટંડનને ઇસ્તનબુલમાં ટૅક્સી-ડ્રાઇવરે લૂંટી લીધી



ગયા અઠવાડિયે બનેલી આ ઘટનામાં ટૅક્સી-ડ્રાઇવરે સૌમ્યા પાસેથી ૧૦૦૦ યુરો (આશરે ૭૨,૦૦૦ રૂપિયા) લૂંટી લીધા હતા. સૌમ્યાએ આ બાબતે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. સૌમ્યા ઇસ્તનબુલમાં ટૅક્સીમાં પ્રવાસ કરી રહી હતી ત્યારે ડ્રાઇવર અચાનક બરાડવા લાગ્યો હતો કે મારી નમાજનો સમય થઈ ગયો છે. ડ્રાઇવરે ટૅક્સી રસ્તા વચ્ચે અટકાવી દીધી હતી અને પૈસા માગવા માંડ્યો હતો.

ટૅક્સીમાં પ્રવાસ કરતી વખતે સૌમ્યા ઇસ્તનબુલને નિહાળી રહી હતી ત્યારે ડ્રાઇવરે મીટર ચાલુ કર્યું છે કે નહીં એના પર ધ્યાન આપી શકી નહોતી. ડ્રાઇવરે મીટર ચાલુ કર્યું નહોતું. ટર્કીમાં યુરો અને લીરા બન્ને ચલણમાં છે. સૌમ્યાએ તેને ભાડું ચૂકવવા માટે પર્સમાં હાથ નાખ્યો ત્યારે ડ્રાઇવરે પણ સૌમ્યાના પર્સમાં હાથ નાખ્યો હતો અને એમાંથી યુરો કાઢીને સૌમ્યાને ટૅક્સીમાંથી ઉતારીને ચાલ્યો ગયો હતો. પછી સૌમ્યાએ પર્સ ચેક કર્યું ત્યારે તેને ખબર પડી હતી કે ડ્રાઇવરે એમાંથી ૧૦૦૦ યુરો કાઢી લીધા હતા.