રણવીરના નામે ૪૦-૫૦ કરોડ મળે એમ હતા, રણબીરના નામે ૯૦ કરોડ મળ્યા

26 December, 2014 05:16 AM IST  | 

રણવીરના નામે ૪૦-૫૦ કરોડ મળે એમ હતા, રણબીરના નામે ૯૦ કરોડ મળ્યા

પોતાની મહત્વાકાંક્ષી પિરિયડ ફિલ્મ ‘બૉમ્બે વેલ્વેટ’ માટે રણબીર કપૂરને સાઇન કરતાં પહેલાં ડિરેક્ટર અનુરાગ કશ્યપે આ પ્રોજેક્ટ માટે આમિર ખાન, સૈફ અલી ખાન અને હૃતિક રોશન સહિતના સ્ટાર્સનો અપ્રોચ કર્યો હતો. અનુરાગે કહ્યું હતું કે આ બિગ બજેટ ફિલ્મના પૈસા ઊભા કરવા માટે પોતાને મોટા સ્ટારની જરૂર હતી. રણબીર, અનુષ્કા શર્મા અને કરણ જોહરને ચમકાવતી આ ફિલ્મ હાલમાં પોસ્ટ-પ્રોડક્શનમાં છે.

લેખક જ્ઞાન પ્રકાશની બુક ‘મુંબઈ ફેબલ્સ’ પરથી બની રહેલી ફિલ્મ ‘બૉમ્બે વેલ્વેટ’માં મુંબઈ મેટ્રો સિટી કઈ રીતે બન્યું એની વાત છે. આ ફિલ્મના શૂટિંગ માટે શ્રીલંકામાં ૧૯૫૦ અને ’૬૦ના દાયકાના મુંબઈનો સેટ બનાવવામાં આવ્યો હતો. અનુરાગ આ ફિલ્મ આગામી મેમાં રિલીઝ કરવા માગે છે. તેણે કહ્યું હતું કે ‘શરૂઆતથી જ આ પ્રોજેક્ટ ખર્ચાળ રહ્યો છે અને મારી કરીઅરની આ સૌથી ટાઇટ બજેટવાળી ફિલ્મ છે. ખરેખર તો ૩૦૦ કરોડના બજેટની ફિલ્મ અમે ૯૦ કરોડ રૂપિયામાં તૈયાર કરી છે. હું કોઈ એવા ઍક્ટરને એમાં લેવા માગતો હતો જે સારો ઍક્ટર હોવા ઉપરાંત તેના નામથી મને આ ફિલ્મ માટે પૂરતા પૈસા મળી રહે.’

પોતે કોનો-કોનો અપ્રોચ કર્યો હતો એ વિશે અનુરાગે કહ્યું હતું કે ‘૨૦૦૬માં મેં આ ફિલ્મ લખી ત્યારે પહેલી પસંદ સૈફ અલી ખાન હતો. ત્યાર બાદ આમિર ખાન અને હૃતિક રોશનનો પણ અપ્રોચ કર્યો હતો. આમ રણબીરને સાઇન કરતાં પહેલાં આ ફિલ્મ માટે અન્ય સ્ટાર્સનો પણ અપ્રોચ કરાયો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહને લેવાનો પણ પ્રયાસ કરાયો હતો, પરંતુ તેના નામે માત્ર ૪૦-૫૦ કરોડની રકમ મળી શકે એમ હતી.’