પોતાની બધી સફળતાનો યશ પત્નીને આપે છે બપ્પી લાહિરી

08 December, 2011 07:20 AM IST  | 

પોતાની બધી સફળતાનો યશ પત્નીને આપે છે બપ્પી લાહિરી



૧૯૮૦ના દાયકા પરની ફિલ્મ હોય એટલે એમાં માત્ર સેટ અને કલાકારોના કૉસ્ચ્યુમ્સ જ જો એ પ્રકારના હોય તો એ પૂરતું ન ગણાય. ફિલ્મમાં એ પ્રકારનું સંગીત પણ હોવું જોઈએ કે જે દર્શકોને તરત જ એની તરફ ખેંચી લે અને લોકો એને દિવસમાં ઓછામાં ઓછા એક વખત તો ગાઈ જ લે. ‘ધ ડર્ટી પિક્ચર’માં આ બાબતે સફળતા પૂરેપૂરી મળી છે. જોકે એના ગીત ‘ઊ લા લા...’ની સફળતા પાછળનાં ઘણાં કારણોમાંનું એક એમાં બપ્પી લાહિરીનો અવાજ અને એનર્જી પણ છે. એ જ દાયકાના સફળ સંગીતકાર હોવાથી સિન્ગિંગમાં પણ તેમણે જબરદસ્ત ઇફેક્ટ અપાવી હતી અને એનું પરિણામ એ છે કે આ ગીત આજે વર્ષના સૌથી મોટા ચાર્ટબસ્ટરમાંનું એક બની ગયું છે.

તેમનું ઇન્ટરનૅશનલ આલબમ ‘વૉકિંગ ઑન લવસ્ટ્રીટ’ આ વર્ષે રિલીઝ થયું છે અને અમેરિકન આઇડલના વિજેતા શૉન બૅરોઝ સાથેનું આ અમેરિકન જૅઝ આલબમ અત્યારે અમેરિકન ચાર્ટમાં ટૉપ ટેનમાંનું એક છે. જોકે તેઓ આ સફળતાનું તમામ શ્રેય તેમનાં વાઇફ ચિત્રાણીને આપે છે. તેઓ કહે છે, ‘હું આ આલબમ મારી પત્નીને સમર્પિત કરું છું. તે મારા માટે સૌથી મોટો સપોર્ટ છે અને લકી મૅસ્કોટ પણ. તેના નામના બૅનર હેઠળની મારી પહેલી બંગાળી ફિલ્મે મને ઘણી સફળતા અપાવી છે. મારી લાઇફમાં તેની હાજરી જાદુની જેમ અસર કરે છે. જોકે તે મારી સૌથી મોટી આલોચક પણ છે. તેને મારાં મસ્તીભયાર઼્ ગીતો કરતાં શાંત ગીતોમાં વધુ મજા આવે છે.’

બપ્પી લાહિરીએ તેમની કરીઅર તો એક સંગીતકાર તરીકે શરૂ કરી હતી. તેમનાં ‘શરાબી’, ‘નમક હલાલ’ અને ‘ડિસ્કો ડાન્સર’ જેવી સફળ ફિલ્મોનાં ગીતો હજી ઘણાં પ્રખ્યાત છે. આ ફિલ્મોમાં તેમણે ગાયેલાં ગીતો પણ ઘણાં પસંદ કરવામાં આવ્યાં છે. જોકે આજના જમાનામાં તેમના ‘ટૅક્સી નંબર ૯૨૧૧’નું ‘બમ્બઈ નગરિયા...’ અને ‘ધ ડર્ટી પિક્ચર’નું ‘ઊ લા લા...’ એ જ સાબિત કરે છે કે તેમનામાં હજી એ એનર્જી રહેલી છે. તેઓ કહે છે, ‘૧૯૮૦ના દાયકામાં મેં ‘બમ્બઈ સે આયા મેરા દોસ્ત...’ અને ‘રાત બાકી...’ જેવાં ગીતો ગાયાં હતાં, જેને ગાવામાં પણ ઘણી મસ્તી લાવવાની હતી. આ કારણે જ જ્યારે વિશાલ-શેખરે મને આ પ્રકારના ગીત વિશે વાત કરી ત્યારે મને ખબર હતી કે ગીતમાં સૌથી વધુ મહત્વ ગાવાની સ્ટાઇલનું હશે. મારા મામા કિશોરકુમાર પાસેથી મેં આ સ્ટાઇલ શીખી છે.’