આયુષ્માનના જ્યોતિષી પિતાએ તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધકેલ્યો હતો!

25 May, 2020 09:18 PM IST  |  Mumbai Desk | Ashu Patel

આયુષ્માનના જ્યોતિષી પિતાએ તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધકેલ્યો હતો!

આયુષ્માન ખુરાના

બૉલીવુડના ઘણા કલાકારોને બૉલીવુડમાં પ્રવેશતાં અગાઉ વડીલો સાથે ભારે બળવો કરવો પડ્યો હોય કે ઍક્ટર બનવા માટે માતા-પિતાના વિરોધને કારણે ભાગીને મુંબઈ આવી જવું પડ્યું હોય એવા સેંકડો કિસ્સાઓ છે, પણ આયુષ્માન ખુરાનાના કિસ્સામાં ઊંધું બન્યું હતું. તેની ઇચ્છા વિરુદ્ધ તેના પિતાએ તેને મુંબઈ ધકેલ્યો હતો!

આયુષ્માન ખુરાનાનો જન્મ ચંડીગઢના જાણીતા જ્યોતિષીના ઘરમાં થયો હતો. તેના પિતાએ તેને ચંડીગઢની સેન્ટ જૉન્સ સ્કૂલમાં ભણવા મૂક્યો હતો. તે છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે તેના પિતાએ તેના નામમાં એક ‘એન’ ઉમેરી દીધો અને અટકમાં એક ‘આર’ ઉમેરી દીધો. તેમની માન્યતા એવી હતી કે એનાથી આયુષ્માનને ફાયદો થશે. એટલે 11 વર્ષની ઉંમરે આયુષ્માન ખુરાનાનું નામ ‘આયુષ્માન્ન ખુર્રાના’ થઈ ગયું હતું!
આયુષ્માન પાંચ વર્ષનો હતો ત્યારે તેને ઍક્ટર બનવું હતું, પણ તે સમજણો થતો ગયો એમ-એમ શરમાળ બનતો ગયો. પણ તેના પિતા તેને કોઈ પણ ફંક્શનમાં લઈ જાય તો જબરદસ્તી કરીને સ્ટેજ તરફ ધકેલતા. જોકે સ્કૂલ પૂરી થઈ ત્યાં સુધી આયુષ્માન સ્ટેજ પર જતાં શરમાતો રહેતો હતો.
સ્કૂલ પૂરી થયા પછી તે પત્રકાર બનવાનું વિચારતો હતો ત્યારે પણ તેના પિતા સતત અભિનય તરફ ધકેલતા રહ્યા હતા. એ સમયમાં આયુષ્માનને અભિનયમાં રસ પડવા માંડ્યો હતો. જોકે ઍક્ટર બનવાની તેની મહત્ત્વાકાંક્ષા નહોતી. પરંતુ તેના પિતા તેને ઍક્ટર બનાવવા માગતા હતા.
આયુષ્માન પંજાબ યુનિવર્સિટીમાં ભણતો હતો એ સમય દરમિયાન તેના પિતાએ એક દિવસ તેને મુંબઈ ભેગા થવાનો આદેશ આપી દીધો.
આયુષ્માનને એ સમયમાં અભિનયમાં રસ પડવા લાગ્યો હતો, પણ તે બૉલીવુડમાં જવા માટે માનસિક રીતે તૈયાર નહોતો. તેણે આનાકાની કરી કે હું હજી મુંબઈ જઈને બૉલીવુડમાં રોલ મેળવવા જેટલો સજ્જ નથી થયો, પણ તેના પિતાએ તેને કહ્યું કે મેં ગ્રહોની ગણતરી માંડી છે અને જો તું હમણાં જ મુંબઈ નહીં જાય તો તારે બે વર્ષ સંઘર્ષ કરવો પડશે. આયુષ્માન જ્યોતિષી પિતાનો પુત્ર હોવા છતાં જ્યોતિષમાં માનતો નહોતો, પણ તેના પિતાએ દબાણ કરીને તેને મુંબઈ ભેગા થવાનું કહ્યું. જોકે તે મુંબઈમાં ઝાઝું ટક્યો નહીં અને પાછો દિલ્હી જતો રહ્યો. તેણે ભણતાં- ભણતાં ‘એમટીવી રોડીઝ’ની સીઝન-2માં ભાગ લીધો હતો. એમાં તે વિજેતા બન્યો હતો અને દિલ્હીના એક રેડિયો સ્ટેશનમાં રેડિયો જૉકી તરીકે થોડો સમય ફરજ પણ બજાવી હતી. રેડિયો જૉકી તરીકે તે સારું નામ કમાયો અને દિલ્હીના યુવાનોમાં જાણીતો પણ બન્યો. તેણે પોતાની કાર પણ ખરીદી.
એ પછી ફરી વાર તેના પિતાએ તેને મુંબઈ ધકેલ્યો. તે ફરી વાર મુંબઈ આવ્યો. મુંબઈમાં તેનો એક દોસ્ત એક કૉલેજની હૉસ્ટેલમાં રહીને ભણતો હતો. આયુષ્માન ગેરકાયદે તેની સાથે રહેવા માંડ્યો. એ દોસ્ત પણ ચંડીગઢનો હતો અને આયુષ્માનની તેની સાથે જૂની દોસ્તી હતી.
આયુષ્માનના પિતાના કહેવા પ્રમાણે એ વખતે કોઈ ચમત્કાર ન થયો, પણ તે ધીરજપૂર્વક સંઘર્ષ કરતો રહ્યો અને તેને સફળતા મળી. હવે તેનું નામ બૉલીવુડના હૉટેસ્ટ સ્ટાર્સની યાદીમાં આવી ગયું છે.

ashu patel bollywood ayushmann khurrana bollywood news bollywood gossips