09 March, 2024 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાનાએ ગઈ કાલે મહાશિવરાત્રિ નિમિત્તે પિતા પંડિત ખુરાનાને યાદ કર્યા હતા. તેનું કહેવું છે કે પહેલી વખત એવું થયું છે જ્યારે મહાશિવરાત્રિમાં તેના પિતા હાજર નથી. ગયા વર્ષે મે મહિનામાં તેના પિતાનું અવસાન થયું હતું. આયુષમાનના પિતા ફેમસ ઍસ્ટ્રોલૉજર હતા. શિવભજન ગાતો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષમાને કૅપ્શન આપી હતી, ‘મહાશિવરાત્રિ હંમેશાં અમારા ઘરમાં એક પારિવારિક આયોજન રહી છે. મમ્મી, પપ્પા, અપારશક્તિ અને હું સેક્ટર-૬માં આવેલા પંચકુલા મંદિરે દર વર્ષે બાળપણથી જઈએ છીએ. ગયા વર્ષે મારા પિતાની તબિયત ઠીક નહોતી. છતાં તેઓ શિવભક્ત હોવાથી શિવરાત્રિ દરમ્યાન મંદિરે આવ્યા હતા. આ પહેલી મહાશિવરાત્રિ છે જ્યારે તેઓ હયાત નથી. તેમના અંતિમ દિવસોમાં તેમણે મને વિનંતી કરી હતી કે આ ભજન તેમને મોકલું. પાપા જ્યારે પણ આ સાંભળતા તો કહેતા કે બેટા, તારા અવાજમાં આ ભજન સાંભળવાનું ખૂબ સારું લાગે છે.’