કચરો ઉઠાવનારી મહિલાઓના સપોર્ટમાં આવ્યાં આયુષ્માન ખુરાના-તાહિરા કશ્યપ

03 April, 2020 05:03 PM IST  |  Mumbai Desk

કચરો ઉઠાવનારી મહિલાઓના સપોર્ટમાં આવ્યાં આયુષ્માન ખુરાના-તાહિરા કશ્યપ

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપે નવી દિલ્હીમાં કચરો ઉઠાવનારી મહિલાઓને ટેકો આપ્યો છે. કોરોના વાઇરસ ફેલાતાં દરેકની આજીવિકા પર અસર થઈ છે. એવામાં આવી મહિલાઓના પરિવારના ભરણપોષણ માટે આ બન્નેએ યોગદાન આપ્યું છે. આ બન્ને ઘણાં વર્ષોથી દિલ્હીની ગુલમેહેર સંસ્થા સાથે જોડાયેલાં છે. તેઓ વેસ્ટમાંથી બેસ્ટની કામગીરી કરે છે. આ સંસ્થા સાથે ૨૦૦ કચરો ઉઠાવનારી મહિલાઓ સંકળાયેલી છે. એ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘કોરોના વાઇરસને કારણે દરેક સ્તરના લોકોને અસર પહોંચી છે. જોકે સૌથી વધુ અસર તો ઓછી આવક ધરાવનારા લોકો પર થઈ છે. દેશના નાગરિક હોવાથી આપણી ફરજ બને છે કે જરૂરતમંદ લોકોને મદદ માટે હાથ આગળ લંબાવવામાં આવે. તાહિરા અને હું નૉન-પ્રૉફિટ સંસ્થા ગુલમેહેર સાથે ઘણાં વર્ષોથી જોડાયેલાં છીએ. આ તમામ પરેશાન મહિલાઓને અમારી ક્ષમતા પ્રમાણે મદદ કરવા માટે અમે બનતા તમામ પ્રયાસ કરીશું.’

આ મહિલાઓ સાથે વાત કરવાનો પોતાનો અનુભવ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘તેમની સાથે વાત કરવાથી મને વર્તમાન જાતિના ભેદભાવ વિશે જાણવા મળ્યું હતું. તેઓ રિયલ લાઇફમાં પ્રેરણાત્મક છે. ‘આર્ટિકલ 15’ સાઇન કરવા પાછળનું ખરું કારણ તેમના તરફથી મળેલી પ્રેરણા જ છે. આ લોકો પર હાલની સ્થિતિની ખૂબ માઠી અસર પડી છે. તેમની રક્ષા કરવી ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં તાહિરા અને હું અમારાથી બનતા બધા પ્રયાસ કરી રહ્યા છીએ. તેમને ઘરે જરૂરી તમામ ચીજવસ્તુઓ મળી રહે અને તેઓ ઘરમાં સલામત રહે. પીએમ-કૅર્સમાં ડોનેટ કરવાની સાથે જ અમે ગુલમેહેરની આ અદ્ભુત મહિલાઓની પણ કાળજી લઈ રહ્યાં છીએ.’

ayushmann khurrana tahira kashyap bollywood bollywood news bollywood gossips entertainment news coronavirus covid19