14 September, 2023 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
TIME 100 ઇમ્પૅક્ટના આ વર્ષના અવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતની લિસ્ટમાં આયુષમાન ખુરાના એક માત્ર ભારતીય ઍક્ટર છે, જેને આ અવૉર્ડ મળવાનો છે. આયુષમાન હાલમાં તેની ‘ડ્રીમ ગર્લ 2’ની સફળતાને એન્જૉય કરી રહ્યો છે. એવામાં તેની આ સફળતામાં TIME મૅગેઝિને ઉમેરો કર્યો છે. હટકે કન્ટેન્ટ આપવા માટે આયુષમાનને અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. ફિલ્મો દ્વારા તો તે લોકોને મનોરંજન પીરસે છે, પરંતુ સાથે જ તે નેક કાર્યોમાં પણ પાછળ નથી રહેતો. તેને બાળકોના મૂળભૂત અધિકારોના સંરક્ષણ માટે UNICEFનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યો છે. અગાઉ પણ તેને TIME 100એ ૨૦૨૦માં 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શ્યલ લોકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એવામાં હવે TIME 100 ઇમ્પૅક્ટનો અવૉર્ડ મળવાની ખુશી વ્યક્ત કરતાં આયુષમાને કહ્યું કે ‘આ બીજી વખત TIME મૅગેઝિને મને ઑન-કૅમેરા અને ઑફ-કૅમેરા મારા કામને જાણીને મને પસંદ કર્યો છે. TIME મૅગેઝિન દ્વારા આપવામાં આવતા આ સન્માનથી હું ગર્વ અનુભવી રહ્યો છું. આ વર્ષે TIME 100 ઇમ્પૅક્ટનું સન્માન મળવા નિમિત્તે હું TIME મૅગેઝિનનો દિલથી આભાર માનું છું. હું હંમેશાં સારા વિષયોને સિનેમા દ્વારા દેખાડતો રહીશ.’