"અત્યારે કાં તો સુપરસ્ટાર ચાલે છે અને કાં તો સુપરસ્ક્રિપ્ટ"

21 November, 2012 06:09 AM IST  | 

"અત્યારે કાં તો સુપરસ્ટાર ચાલે છે અને કાં તો સુપરસ્ક્રિપ્ટ"



આયુષમાન ખુરાનાએ જ્યારથી ડિરેક્ટર કુણાલ કોહલીની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે ત્યારથી બૉલીવુડમાં આ વાતની બહુ ચર્ચા ચાલી રહી છે. જોકે ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં આયુષમાન પોતાની સાથે સંકળાયેલી તમામ વસ્તુઓની દિલ ખોલીને સ્પષ્ટતા કરે છે.

શું એ વાત સાચી છે કે તેં કુણાલની ફિલ્મમાં કોઈ ટોચની હિરોઇન ન હોવાને કારણે કામ કરવાનો ઇનકાર કર્યો છે?

જુઓ કોણ ટૉપ પર છે અને કોણ નથી એ નક્કી કરનારો હું કોણ? અત્યારના સમયમાં કાં તો સુપરસ્ટાર ચાલે છે અને કાં તો સુપરસ્ક્રિપ્ટ. હું સુપરસ્ટાર નથી એટલે હું જે ફિલ્મમાં કામ કરું એની સ્ક્રિપ્ટ જોરદાર હોય એ બહુ જરૂરી છે. આ વાતને કારણ વગર ચગાવવામાં આવી છે. હું કુણાલનો આદર કરું છું, પણ સાથોસાથ મારા માટે સારામાં સારા વિકલ્પની માગણી કરું તો એ પણ ખોટું નથી.

શું તું સ્ક્રિપ્ટને બહુ મહત્વ આપે છે?


હા, આપું છું. હું સ્ક્રિપ્ટને બરાબર સમજવા માટે એને ઓછામાં ઓછી ત્રણ વખત વાંચું છું. હું એ મારી પત્નીને, મિત્રોને અને મારા માટે જે વ્યક્તિઓ અગત્યની હોય તેમને પણ વંચાવું છું જેથી તેઓ મને યોગ્ય ફીડબૅક આપી શકે. આ સિવાય ફિલ્મની પસંદગી વખતે મારા માટે અંત:સ્ફુરણા પણ મહત્વની હોય છે.

શું તું જૉનને તારો ગુરુ માને છે?


ના, ના. જૉન મારો સારો મિત્ર અને માર્ગદર્શક છે. જોકે હાલમાં તે પણ પોતાના પ્રોજેક્ટમાં અત્યંત વ્યસ્ત છે. વ્યક્તિગત રીતે મને શું જોઈએ છે એના માટે અને મારે શું નથી કરવું એના માટે હું બહુ સ્પષ્ટ છું.

તારી કરીઅર જે રીતે જઈ રહી છે એનાથી તું ખુશ છે?

અત્યારે ભારતીય સિનેમાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને મને ખુશી છે કે આ સમયગાળામાં હું ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. હું મારા રસ્તા પર ધીમે-ધીમે આગળ વધી રહ્યો છું. હું બહુ ઝડપથી વસ્તુઓ શીખું છું અને સમજી શકું છું. મને એ વાતનો આનંદ છે કે લોકોએ મને હકારાત્મક રીતે આવકાર આપ્યો છે.

તું સતત કામ કરી રહ્યો છે...


હું અત્યારે રોહન સિપ્પીની ફિલ્મમાં કામ કરી રહ્યો છું જે બહુ સારી રીતે આકાર લઈ રહી છે. અમે એનાં કેટલાંક ગીતોનું રેકૉર્ડિંગ પણ આટોપી લીધું છે. તે બહુ જ પ્રોફેશનલ છે. અમે આ ફિલ્મને ૩૦ દિવસમાં જ આટોપી લીધી હતી. સુરોજિત સરકારની ફિલ્મનું આગામી વર્ષે શૂટિંગ શરૂ થશે. હું આ ફિલ્મમાં ટૂરિસ્ટ ગાઇડની ભૂમિકા ભજવી રહ્યો હોવાને કારણે એના અભ્યાસ માટે લાંબો સમય આગ્રામાં ટૂરિસ્ટો વચ્ચે રહેવા માગું છું.