કુણાલ ખેમુના ગીતના શૂટિંગ વખતે લખનઉમાં પથ્થરમારો

13 June, 2016 03:51 AM IST  | 

કુણાલ ખેમુના ગીતના શૂટિંગ વખતે લખનઉમાં પથ્થરમારો

આઉટ ઑફ કન્ટ્રોલ : ગીતના શૂટિંગના સેટ પર કરવામાં આવેલો હુમલો અને વૅનિટી વૅનને પણ નુકસાન પહોંચ્યું હતું.



ગૌરવ દુબે

લખનઉમાં આવેલા બડા ઇમામબાડામાં કરવામાં આવી રહેલા શૂટિંગનો સેટ શનિવારે સાંજે બૅટલ ગ્રાઉન્ડ બની ગયો હતો. શનિવારે એક ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે લોકલ વ્યક્તિઓના ટોળાએ આવીને સેટ પર હુમલો કર્યો હતો. તેમણે કાસ્ટ અને ફિલ્મની ટીમ પર પથ્થરમારો કર્યો હતો તેમ જ શૂટિંગના સેટ અને વૅનિટી વૅનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ વિશે વધુ જણાવતાં સૂત્રે કહ્યું હતું કે ‘કુણાલ ખેમુ બ્યુટી કન્ટેસ્ટ વિનર વત્રિકા સિંહ સાથે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર એક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો. અચાનક ૧૦૦-૧૫૦ વ્યક્તિનું ટોળું આવી સેટ પર હુમલો કરવા લાગ્યું હતું. શૂટિંગ તરત જ અટકાવી પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ આવે ત્યાં સુધી શૂટિંગની ટીમના ઘણા મેમ્બરોને ઈજા થઈ હતી. કુણાલને પણ હાથમાં વાગ્યું હતું.’




સલમાન ખાનનો મિત્ર નિખિલ દ્વિવેદી આ મ્યુઝિક-વિડિયોને પ્રોડ્યુસ કરી રહ્યો છે, જેના ગીતનું નામ ‘સાવરે’ રાખવામાં આવ્યું છે. આ ગીત રાહત ફતેહ અલી ખાને ગાયું છે, જ્યારે સંગીત અનુપમા રાગે આપ્યું છે. આ હુમલો થયો ત્યારે રાહત ફતેહ અલી ખાન સેટ પર આવવા માટે નીકળી ગયો હતો, પરંતુ તેને ફોન કરી ફરીથી હોટેલ પર જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ વિશે જણાવતાં સૂત્રે કહ્યું હતું કે ‘અમને ખબર જ નથી કે ટોળું કેમ ગુસ્સે થઈ ગયું હતું અને તેમણે હુમલો શા માટે કર્યો હતો? અમે આ વિશે પોલીસમાં ફરિયાદ પણ કરી છે અને જ્યાં સુધી શૂટિંગ પૂરું ન થાય ત્યાં સુધી વધુ પોલીસ-કર્મચારીઓની મદદ માગી છે.’




નિખિલનો આ વિશે સંપર્ક કરવામાં આવતાં તે ઉપલબ્ધ નહોતો, પરંતુ તેના નજીકના સૂત્રે કહ્યું હતું કે ‘સેટ પર ચારથી પાંચ પોલીસ-કૉન્સ્ટેબલ હાજર હતા, પરંતુ ૧૦૦-૧૫૦ વ્યક્તિઓની સામે તેમનું શું ચાલે? ત્યાર બાદ વધુ પોલીસ-કૉન્સ્ટેબલ આવ્યા બાદ પરિસ્થિતિ પર કન્ટ્રોલ મેળવવામાં આવ્યો હતો અને વધુ સિક્યૉરિટી હેઠળ આ ગીતનું શૂટિંગ શરૂ કર્યું હતું.’