મેરાવાલા સિર્ફે મેરાવાલા હોગા : આસિયા કાઝી

12 October, 2011 07:21 PM IST  | 

મેરાવાલા સિર્ફે મેરાવાલા હોગા : આસિયા કાઝી

 

- રુચિતા શાહ

‘બંદિની’, ‘માટી કી બન્નો’ જેવી સિરિયલો બાદ હમણાં ‘ધર્મપત્ની’ સિરિયલમાં આદર્શ પત્નીનો રોલ કરતી આસિયા કાઝીને આમ તો ફૅશન-ડિઝાઇનર બનવું હતું, પણ નસીબ તેને ઍક્ટિંગના ફીલ્ડમાં લઈ આવ્યું. મુંબઈમાં જન્મેલી અને ઊછરેલી આસિયાએ અંધેરીની ભવન્સ કૉલેજમાંથી આટ્ર્‍સનો  અભ્યાસ કર્યો છે અને સાથે-સાથે ફૅશન-ડિઝાઇનિંગની સ્ટડીઝ પણ કરી છે. જોકે તેને ઍક્ટિંગનો પણ શોખ તો હતો જ. તેણે કૉલેજના ઘણા કલ્ચરલ પ્રોગ્રામમાં  ઍક્ટિંગ કરી છે. એક વાર તેણે અમસ્તા જ એક સિરિયલ માટે ઑડિશન આપ્યું અને એમાં તેનું સિલેક્શન પણ થઈ ગયું. એ સિરિયલ હતી ‘બંદિની’. આજકાલ  ‘ધર્મપત્ની’ સિરિયલમાં તો તેને તેના સપનાનો રાજકુમાર મોહન મળી ગયો છે, પણ રિયલ લાઇફમાં આવા કોઈ રાજકુમાર બાબતે તેણે વિચાર્યું છે કે નહીં એ વિશે  જાણીએ તેના જ શબ્દોમાં...

લગ્ન એ કંઈ રમત નથી

લગ્ન એટલે નવું જીવન જેમાં બધું જ નવું હોય. નવા સંબંધો, નવી જવાબદારી, નવી રહેણીકરણી. એટલે જ પૂરેપૂરા મૅચ્યોર થયા વિના લગ્ન ન કરવાં.  તમારા આખા જીવનની દિશા તમારા આ એકમાત્ર ડિસિઝનથી નક્કી થાય છે એટલે રમત-રમતમાં લગ્નનો નિર્ણય ન લેવો એવું મારું માનવું છે. પૂરેપૂરા તૈયાર હો  પછી સમજી-વિચારીને લગ્નનો નિર્ણય લેવો. હું પણ જ્યાં સુધી મને ક્લિક નહીં થાય ત્યાં સુધી હા નહીં પાડું.

સમાધાન શેનું?

લગ્નમાં મને સમાધાન જેવું કશું નથી લાગતું. સ્વાભાવિક છે કે નવું ઘર અને નવા માહોલમાં રહેવા જાઓ એટલે એકદમ તમને માફક આવે એવો માહોલ ન પણ મળે  અને આ તો લગ્નનો એક હિસ્સો છે, એને તમે કૉમ્પ્રોમાઇઝનું નામ ન ચડાવી શકો. મને ખબર નથી કે લગ્નની શી વ્યાખ્યા આપી શકાય, પણ એટલું ચોક્કસ  કહીશ કે એક પ્રકારનો ડર લગ્નમાં છે જ. જો તમને યોગ્ય વ્યક્તિ મળી ગઈ તો પૂરી લાઇફ જલસો પડે, પણ જરાક જો પસંદગીમાં ભૂલ થઈ તો જિંદગી નરક પણ  બની શકે.

કેવો હશે જીવનસાથી?

મને સમજી શકે એવો. મારું કામ જે પ્રકારનું છે એને અનુરૂપ થોડાં ઍડ્જસ્ટમેન્ટ કરવાં તૈયાર હોય. બધી વાતમાં રોક-ટોક ન કરે અને મને જાતે મારા નિર્ણયો  લેવા દે. મને સ્પેસ આપે. મોટે ભાગે જ્યારે આપણને લાગવા માંડે કે આ માણસ મારા માટે જ બન્યો છે ત્યારે કંઈ પણ ઍડ્જસ્ટ કરવું આસાન થઈ જાય છે. મને  મારા પેરન્ટ્સને જોઈને ખૂબ સારું ફીલ થાય. મારી એવી વિશ છે કે મારું લગ્નજીવન પણ તેમના જેવું પ્રેમભર્યું હોય.

પૈસા નહીં પ્રેમ

મને એવું નથી જોઈતું કે મારો જીવનસાથી બહુ જ પૈસાવાળો હોય. બસ, મારી જરૂરિયાતો પૂરી થઈ જાય એટલા પૈસા હશે તોય ચાલશે, પણ તે મને પ્રેમ પુષ્કળ કરતો હોવો જોઈએ. દેખાવમાં ૧૯-૨૦ ચાલશે, પણ નેચરવાઇઝ બેસ્ટ હોવો જોઈએ અને મારો જીવનસાથી એકદમ યુનિક હશે. કોઈના જેવો નહીં તેની પોતાની અલગ ઓળખ હશે.

સરખામણી જ ન હોય

લગ્ન અને લિવ-ઇન રિલેશનની કોઈ સરખામણી જ શક્ય નથી.  બન્ને એકદમ અલગ વસ્તુ છે. તમે દરેક રીતે લગ્નની જેમ જ રહેતા હો, માત્ર મંગળસૂત્ર અને સિંદૂરની જ કમી હોય તો લગ્ન જ શું કામ ન કરી લેવાં જોઈએ. જો પરસ્પર વિશ્વાસ બેસી ગયો હોય તો લગ્ન કરી લેવાં ઉચિત છે.

શાદી કા શોખ

નાની હતી ત્યારે હું મારી મમ્મીને હંમેશાં કહેતી કે હું એકદમ હૅન્ડસમ અને ગુડલુકિંગ છોકરા સાથે લગ્ન કરીશ. એની પાસે જ બધું કામ કરાવીશ અને હું બેઠાં-બેઠાં  ઑર્ડર કરીશ અને એવી ચર્ચા પણ કરતી કે લગ્નના દિવસે આવી સાડી પહેરીશ, મારાં લગ્નનો હૉલ આવો હશે. આવી અનેક કલ્પનાઓ કરી રાખી હતી અને  મજાની વાત તો એ હતી કે દર અઠવાડિયે મારા પ્લાનમાં ફેરફાર થતો. સાડીના કલર બદલાતા તો ક્યારેક લગ્નનું વેન્યુ ચેન્જ થતું અને પછી ઘરમાં બધા મને  ચીડવતા. મને લાગે છે કે દરેક યુવતી ૧૫-૧૬ વર્ષની ઉંમરે પોતાનાં લગ્ન માટે આવી નટખટ કલ્પના કરતી જ હશે.