આશુતોષ ગોવારીકરે નૌશિલ મહેતા અને મનોજ શાહ સાથે નાટ્યપ્રવૃત્તિ કરી હતી!

26 May, 2020 09:24 PM IST  |  Mumbai Desk | Ashu Patel

આશુતોષ ગોવારીકરે નૌશિલ મહેતા અને મનોજ શાહ સાથે નાટ્યપ્રવૃત્તિ કરી હતી!

ફાઇલ ફોટો

આશુતોષ ગોવારીકર મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં અભ્યાસ કરતો હતો એ વખતે તેણે નૌશિલ મહેતા અને મનોજ શાહ સાથે નાટ્યપ્રવૃત્તિ કરી હતી! તેણે નીરજ વોરા અને મિહિર ભુતા સાથે પણ એક નાટકમાં અભિનય કર્યો હતો. એ સમયમાં કૉલેજનાં નાટકોમાં ભાગ લેવાની તેણે શરૂઆત કરી હતી. નૌશિલ મહેતાએ પણ એ વખતે નાટ્યપ્રવૃત્તિ શરૂ કરી હતી. નૌશિલ મહેતાએ સાડાત્રણ દાયકાથી વધુ સમય અગાઉ મીઠીબાઈ કૉલેજ વતી આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. નૌશિલ મહેતા સિનિયર વિદ્યાર્થી હતા. એ વખતે મનોજ શાહ, નીરજ વોરા અને મિહિર ભુતાની તેમની સાથે ઊઠબેસ હતી. એ ગ્રુપમાં આશુતોષ ગોવારીકર પણ જોડાયો હતો.

નૌશિલ મહેતાએ આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં મનોજ શાહની સાથે મીઠીબાઈ કૉલેજ વતી ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે એ નાટકમાં તેમણે આશુતોષ ગોવારીકરને રોલ આપ્યો હતો. ‘શ્શ્શઅઅ...’ (નાક પર આંગળી મૂકીને કોઈને ચૂપ રહેવા કહેતા હોય એવો સિસકારો) નામના એ નાટકમાં કોઈ સંવાદો નહોતા. નૌશિલ મહેતા અને મનોજ શાહના એ નાટકમાં જોકે પાછળથી બે-ચાર સંવાદો ઉમેરવામાં આવ્યા હતા, પણ એ સિવાય આખું નાટક સંવાદો વિનાનું જ હતું.
સફળ લેખક તરીકે નામ કમાનારા સ્વર્ગસ્થ નીરજ વોરા અને ‘ચાણક્ય’ સહિતનાં અનેક નાટકોથી વિખ્યાત બનેલા મિહિર ભુતાએ પણ એ નાટકમાં અભિનય કર્યો હતો. એ નાટકના સેટમાં  પ્રવેશદ્વાર દર્શાવાયું હતું. એ પ્રવેશદ્વાર પર ચોકી કરતા સંત્રી તરીકે હાથમાં ભાલા લઈને નીરજ વોરા અને મિહિર ભુતા કશું બોલ્યા વિના ચૂપચાપ ઊભા રહ્યા હતા!
મિહિર ભુતા એ વખતનાં સંસ્મરણો તાજાં કરતાં કહે છે કે ‘આશુતોષ અમારાથી સિનિયર હતો પણ નૌશિલ મહેતા અને મનોજ શાહના નાટકને કારણે અમે નજીક આવ્યા હતા.’
એ દિવસોમાં આશુતોષ સુનીતા (જે હવે આશુતોષની પત્ની છે)ના પ્રેમમાં હતો અને એ બન્ને કલાકો સુધી જુહુની ‘ઑન ટૉઝ’ રેસ્ટોરાંમાં બેસી રહેતાં હતાં. આશુતોષ પૈસાપાત્ર કુટુંબમાંથી આવતો હતો એટલે તેને કમાવાની ચિંતા નહોતી, પણ તેણે અભિનયની તક મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મીઠીબાઈ કૉલેજમાંથી બી.એસસી. કર્યા પછી આશુતોષે ફિલ્મનિર્માતાઓ અને દિગ્દર્શકો તથા ટીવી-સિરિયલના નિર્માતા-દિગ્દર્શકોની ઑફિસના આંટા મારવાનું શરૂ કર્યું હતું.
આશુતોષે ટીવી-સિરયલ્સ અને ફિલ્મ્સમાં નાના-નાના રોલ્સ કર્યા હતા. જોકે તેને અભિનય માટે બહુ તક ન મળી એટલે છેવટે તેણે દિગ્દર્શક બનવાનું નક્કી કર્યું હતું. આમિર અને શાહરુખ જેવા મિત્રો હોવા છતાં તેને કોઈ મોટો સ્ટાર ન મળ્યો એટલે છેવટે તેણે દીપક તિજોરીને હીરો તરીકે સાઇન કરીને ‘પહલા નશા’ ફિલ્મ બનાવી. એ ફિલ્મની હિરોઇન્સ રવીના ટંડન અને પૂજા ભટ્ટ હતી. એ ફિલ્મના લેખક અત્યારના જાણીતા રાઇટર-ડિરેક્ટર સંજય છેલ હતા.

bollywood ashu patel bollywood news bollywood gossips ashutosh gowariker