13 April, 2026 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી લેજન્ડરી સિંગર આશા ભોસલેનો પાર્થિવ દેહ લોઅર પરેલ ખાતેના તેમના ઘરે પહોંચ્યો ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી
પદ્મવિભૂષણ અવૉર્ડવિજેતા લોકપ્રિય સિંગર આશા ભોસલેનું ગઈ કાલે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ૯૨ વર્ષની વયે મલ્ટિપલ ઑર્ગન-ફેલ્યરને કારણે નિધન થયું હતું. આશા ભોસલેની તબિયત બગડતાં તેમને શનિવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને બીજા જ દિવસે તેમનું અવસાન થયું હતું. બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ડૉ. પ્રતીત સામદાણીએ પણ જણાવ્યું હતું કે આશા ભોસલેનું મૃત્યુ મલ્ટિપલ ઑર્ગન-ફેલ્યરને કારણે થયું હતું.
આશા ભોસલેના નિધનની પુષ્ટિ તેમના પુત્ર આનંદ ભોસલેએ મીડિયા સાથે વાતચીત કરીને કરી હતી અને તેમના અંતિમ સંસ્કાર વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ૧૩ એપ્રિલે ફૅન્સ લોઅર પરેલ ખાતે આવેલા આશા ભોસલેના નિવાસસ્થાન કાસા ગ્રાન્ડ ખાતે તેમનાં અંતિમ દર્શન કરી શકશે અને સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્ક ખાતે તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.