13 April, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણપતરાવ તેમના કરતાં ૧૫ વર્ષ મોટા હતા
ગઈ કાલે ભારતીય સંગીતજગતના એક સોનેરી પ્રકરણ સમાન ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષે અવસાન થયું હતું. તેમણે પોતાની પ્રોફેશનલ કરીઅરમાં તો અનેક સિદ્ધિઓ મેળવી છે પણ સાથે-સાથે પર્સનલ લાઇફમાં બે લગ્ન, એક ડિવૉર્સ અને અધૂરા પ્રેમપ્રકરણ જેવા અનેક આઘાત સહન કર્યા છે.
પ્રખ્યાત થિયેટર કલાકાર અને શાસ્ત્રીય ગાયક દીનાનાથ મંગેશકરના ઘરે જન્મેલાં આશા માત્ર ૯ વર્ષનાં હતાં ત્યારે પિતાનું અવસાન થતાં પરિવાર પર આવી પડેલા આર્થિક સંકટને દૂર કરવા મોટી બહેન લતા મંગેશકર અને આશાએ નાની ઉંમરે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગાવાનું અને અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું.
આશા ભોસલે જ્યારે માત્ર ૧૬ વર્ષનાં હતાં ત્યારે તેમણે પરિવારની મરજી વિરુદ્ધ જઈને લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોસલે સાથે ભાગીને લગ્ન કરી લીધાં હતાં. આ ઘટનાથી તેમના જીવનમાં મોટો વળાંક આવ્યો હતો. ગણપતરાવ તેમના કરતાં ૧૫ વર્ષ મોટા હતા. આશાના આ નિર્ણયથી લતા મંગેશકર એટલાં નારાજ થયાં કે તેમણે આશા સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા અને વર્ષો સુધી બન્ને બહેનો વચ્ચે વાતચીત બંધ રહી હતી. જોકે ગણપતરાવ સાથેનાં લગ્ન આશા માટે ખોટો નિર્ણય સાબિત થયો. ગણપતરાવનો પરિવાર આશા ભોસલેને સિંગર તરીકે સ્વીકારવા તૈયાર નહોતો અને ગણપતરાવ તો આશા ભોસલેને શારીરિક ત્રાસ પણ આપતો હતો. આશા ભોસલે જ્યારે ત્રીજી વખત પ્રેગ્નન્ટ હતાં ત્યારે સાસરિયાંએ તેમને બે નાનાં બાળકો સાથે અડધી રાત્રે ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં હતાં.
આશા ભોસલેની આત્મકથા ‘આશા ભોસલે : અ લાઇફ ઇન મ્યુઝિક’માં ઉલ્લેખ છે કે આશા ભોસલે પર પતિ ગણપતરાવે ઘણી વખત હાથ ઉપાડ્યો હતો. પુસ્તકમાં જણાવ્યા અનુસાર ગણપતરાવે જ્યારે આશા ગર્ભવતી હતાં ત્યારે પણ તેમના પર હાથ ઉપાડ્યો હતો. તેમણે ઘણી વખત હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે આશાનાં સાસરિયાં ખૂબ જ સંકુચિત મનનાં હતાં અને તેમનો પતિ ખૂબ જ શૉર્ટ ટેમ્પર્ડ માણસ હતો.
આશા ભોસલેની આત્મકથામાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આશા ભોસલે ત્રીજી વખત પ્રેગ્નન્ટ હતાં ત્યારે તેમનાં સાસરિયાંએ તેમને અડધી રાતે ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં ત્યારે આશાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પુસ્તકમાં આશાએ કહ્યું છે, કે ‘એક સમયે મને લાગ્યું કે મારે મારો જીવ લઈ લેવો જોઈએ. હું બીમાર હતી, ચાર મહિનાનો ગર્ભ હતો, હૉસ્પિટલમાં હાલત એવી હતી જાણે નરક જેવું લાગતું હતું. હું માનસિક રીતે એટલી ભાંગી પડી હતી કે મેં ઊંઘની ગોળીઓની આખી બૉટલ ખાઈ લીધી હતી. જોકે મારા બાળક માટે મારો પ્રેમ એટલો બધો હતો કે તેણે મને મરવા ન દીધી. હું મરી નહીં અને પાછી આવી.’ જોકે એ પછી આશા અને ગણપતરાવ અલગ થઈ ગયાં.
આશા ભોસલેએ ૧૯૮૦માં આર. ડી. બર્મન તરીકે ઓળખાતા સંગીતકાર રાહુલ દેવ બર્મન સાથે બીજી વાર લગ્ન કર્યાં હતાં. બન્નેની પહેલી મુલાકાત ૧૯૬૬માં ફિલ્મ ‘તિસરી મંઝિલ’ના ગીત દરમ્યાન થઈ હતી. એ પછી સાથે કામ કરતી વખતે બન્ને મિત્રો બન્યાં. રાહુલ દેવ બર્મને આશા સાથે લગ્ન કરતાં પહેલાં મૂળ અમદાવાદના પતાસા પોળના પટેલની પુત્રી રીટા પટેલ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે આ લગ્ન આર. ડી. બર્મનની દારૂની લત અને માંસાહાર તેમ જ રીટાના તેની સાસુ સાથેના ઝઘડાઓને કારણે ટકી શક્યાં નહીં. રીટા સાથેનાં લગ્નના અંત પછી આર. ડી. બર્મને તક મળતાં જ તેમનાથી ૬ વર્ષ મોટાં અને ત્રણ બાળકની માતા આશા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આશા તો લગ્ન માટે સંમત થયાં, પણ આર. ડી. બર્મનનાં માતાએ લગ્નની ચોખ્ખી ના પાડી દેતાં લગ્ન અટકી ગયાં. જોકે પછી આર. ડી. બર્મનના પિતા સચિન દેવ બર્મનનું અવસાન થતાં માતાની માનસિક સ્થિતિ બગડી ગઈ. આવી સ્થિતિમાં પોતાની માતાની સ્થિતિ સુધારવા માટે આર. ડી. બર્મને ૧૯૮૦માં આશા ભોસલે સાથે લગ્ન કર્યાં જે ૧૯૯૪માં તેમના અવસાન સુધી સારી રીતે ટકેલાં હતાં.
સિંગર આશા ભોસલે અને ઓ. પી. નૈયર તરીકે ઓળખાતા સંગીતકાર ઓમકાર પ્રસાદ નૈયર વચ્ચેની રિલેશનશિપ બૉલીવુડનાં સૌથી વધુ ચર્ચાયેલાં અને લાંબા સમય સુધી ચાલેલાં પ્રેમપ્રકરણોમાંની એક છે. તેમની પહેલી મુલાકાત ૧૯૫૨માં ફિલ્મ ‘છમ છમા છમ’ના રેકૉર્ડિંગ વખતે થઈ. આ પછી ૧૯૫૯માં ત્રણ બાળકો સાથે સિંગલ લાઇફ જીવી રહેલાં આશા ભોસલે અને ઓ. પી. નૈયર વચ્ચે રિલેશનશિપની શરૂઆત થઈ અને ઓ. પી. નૈયરે જ આશાને વૅમ્પ કે પછી સાઇડ હિરોઇનનાં ગીતોમાંથી બહાર કાઢીને મુખ્ય ગાયિકા તરીકે સ્થાપિત કર્યાં.
આ પ્રેમપ્રકરણ લગભગ ૧૯૫૯થી ૧૯૭૨ સુધી ચાલ્યું. નૈયર પહેલેથી જ પરણેલા અને ૪ બાળકોના પિતા હતા છતાં તેઓ આશા સાથે ખુલ્લેઆમ ફરતા અને તેમને પોતાના જીવનની ખાસ વ્યક્તિ ગણાવતા. આ સમય દરમ્યાન તેમણે આશા સિવાય અન્ય કોઈ મુખ્ય ગાયિકા સાથે ખાસ કામ ન કર્યું. જોકે ૧૯૭૨માં આ સંબંધ કોઈ અકળ કારણસર બહુ કડવાશ સાથે અચાનક તૂટી ગયો જેના પગલે આશા ભોસલે અને ઓ. પી. નૈયરે સાથે કામ કરવાનું છોડી દીધું. આશા ભોસલેએ ત્યાર બાદ ક્યારેય ઓ. પી. નૈયરનું નામ લીધું નથી અને તેમની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી.