એકની એક દીકરી વર્ષાએ કરી હતી આત્મહત્યા અને મોટા દીકરા હેમંતનું કૅન્સરને લીધે અવસાન

13 April, 2026 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯૨ વર્ષના જીવનમાં આશાતાઈએ સહન કર્યો બે-બે સંતાનોનાં મૃત્યુનો આઘાત

દીકરી વર્ષા સાથે આશા ભોસલે

બૉલીવુડમાં પ્રેમથી આશાતાઈ તરીકે ઓળખાતાં આશા ભોસલેનું ગઈ કાલે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ૯૨ વર્ષની વયે મલ્ટિપલ ઑર્ગન-ફેલ્યરના કારણે નિધન થયું હતું. સિંગર તરીકે ભારે સફળતાનો સ્વાદ ચાખનારાં આશા ભોસલેએ તેમના જીવનમાં બે-બે સંતાનોનાં મૃત્યુનો આઘાત સહન કર્યો છે. આશા ભોસલે માત્ર ૧૬ વર્ષનાં હતાં ત્યારે મોટી બહેન લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોસલે સાથે પ્રેમમાં પડ્યાં. અ સમયે ગણપતરાવ તેમનાથી ૧૫ વર્ષ મોટા હતા. પરિવારની વિરુદ્ધ જઈને બન્નેએ ભાગીને લગ્ન કર્યાં હતાં. આ લગ્નને કારણે લતા મંગેશકર સાથે તેમના સંબંધો લાંબા સમય સુધી ખરાબ રહ્યા. આ લગ્નથી તેમને દીકરાઓ હેમંત અને આનંદ તથા દીકરી વર્ષા એમ ત્રણ સંતાનો થયાં. ત્રીજા સંતાન એટલે કે પુત્રી વર્ષાના જન્મ સમયે આશા ભોસલેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. ૧૯૬૦માં આશા ભોસલે પતિથી અલગ થઈ ગયાં અને ગણપતરાવ ૧૯૬૬માં અવસાન પામ્યા. પતિના અવસાન પછી આશાએ રાહુલ દેવ બર્મન સાથે ત્રીજાં લગ્ન કર્યાં હતાં, પણ તેઓ પોતાનાં ત્રણેય સંતાનોની બહુ નજીક હતાં.

દીકરા હેમંત સાથે આશા ભોસલે

આશા ભોસલેનાં ત્રણ સંતાનોમાં સૌથી મોટા હેમંત ભોસલે ઉર્ફે હેમંત કુમાર હતા. હેમંતે શરૂઆતમાં પાઇલટ તરીકે કામ કર્યું હતું. આ પછી તેઓ સંગીતકાર બન્યા. તેમણે ફિલ્મ ‘અનપઢ’ના ગીત ‘અજી કહો ક્યા હાલ હૈ’ કમ્પોઝ કર્યું હતું જેને આશા અને કિશોરકુમારે ગાયું હતું. ૨૦૧૫માં સ્કૉટલૅન્ડમાં હેમંતનું કૅન્સરને કારણે અવસાન થયું હતું. પુત્ર હેમંતના અવસાનના સમયે આશા ભોસલે સિંગાપોરમાં પર્ફોર્મન્સ આપી રહ્યાં હતાં.

હેમંત પહેલાં ૨૦૧૨માં આશાની પુત્રી વર્ષા ભોસલેએ આત્મહત્યા કરીને જીવન સમાપ્ત કર્યું હતું.

દીકરા આનંદ સાથે આશા ભોસલે

આશાનો બીજો દીકરો આનંદ ભોસલે હંમેશાં તેમની સાથે રહ્યો છે અને આનંદની પુત્રી જનાઈ ભોસલે તેની દાદીની બહુ જ નિકટ હતી.

પૌત્રી સાથે નિકટતા

આશા ભોસલે તેમના નાના દીકરા આનંદ ભોસલે સાથે રહેતાં હતાં અને એને કારણે આનંદની દીકરી જનાઈની બહુ નિકટ હતાં. ૯૨ વર્ષનાં આશા ભોસલે ઘણી વખત ૨૩ વર્ષની જનાઈ સાથે અવારનવાર સમય પસાર કરતાં જોવા મળ્યાં હતાં.

પદ્‍‍મિની કોલ્હાપુરે સાથેનો સંબંધ

આશા ભોસલેનો બૉલીવુડ અભિનેત્રી પદ્‍‍મિની કોલ્હાપુરે સાથે પણ નજીકનો સંબંધ હતો. પદ્‍‍મિનીનાં દાદી અને આશાના પપ્પા દીનાનાથ ભાઈ-બહેન હતાં. પદ્‍‍મિનીની બહેન શિવાંગી કોલ્હાપુરે અને તેની દીકરી શ્રદ્ધા કપૂર સાથે પણ આશા ભોસલેના સારા સંબંધ હતા. તેઓ તહેવારો અને અન્ય ઉત્સવોમાં સાથે જોવા મળતાં.

celebrity death relationships entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz