06 August, 2021 03:52 PM IST | Mumbai | Agency
ઘરેલુ હિંસાનો શિકાર બન્યા બાદ આરઝુએ ડિવૉર્સ માટે કરી અરજી
આરઝુ ગોવિત્રીકરે હસબન્ડ સિદ્ધાર્થ સભરવાલ પર ઘરેલુ હિંસાનો આરોપ મૂકીને ડિવૉર્સ માટે કેસ દાખલ કર્યો છે. આરઝુ ‘નાગીન 2’, ‘એક લડકી અંજાની સી’, ‘ઘર એક સપના’ અને ‘સીઆઇડી’માં પણ જોવા મળી હતી. આરઝુ અદિતિ ગોવિત્રીકરની બહેન છે. પોતે જે માનસિક ત્રાસમાંથી પસાર થઈ છે એ વિશે વિસ્તારપૂર્વક આરઝુ ગોવિત્રીકરે કહ્યું કે ‘હા, મેં ડિવૉર્સ માટે કેસ દાખલ કર્યો છે. હવે હદ પાર થઈ ગઈ છે. હું વધુ સહન નથી કરવાની. મેં મારું આત્મસન્માન ગુમાવીને ખૂબ-ખૂબ પ્રયાસ કર્યા હતા. જોકે પાણી માથા પરથી ઉપર ચાલ્યું ગયું. હું હવે સિદ્ધાર્થ સાથે નહીં રહી શકું. મેં અત્યાર સુધી મીડિયાને આના વિશે કોઈ માહિતી નહોતી આપી. બે વર્ષ અગાઉ પણ જ્યારે જર્નલિસ્ટ્સે મને કૉલ્સ કર્યા તો પણ મેં કંઈ જણાવ્યું નહોતું. જોકે આજે હું એ વિશે બોલી રહી છું. હું તમને જણાવવા માગું છું કે તે મારી ગરદન પકડીને મને ઢસડીને લઈ ગયો અને મને ફ્લૅટની બહાર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મને તમાચા માર્યા હતા અને પેટમાં લાત મારી હતી. તેણે અનેક વખત મારી મારઝૂડ કરી હતી, પરંતુ મેં કદી એ વિશે ચર્ચા નહોતી કરી, કારણ કે મારે મારા ઘા કોઈને દેખાડવા નહોતા. મને ઘણી ગંદી ગાળો આપતો હતો. સાથે જ જાતિને લઈને પણ અપશબ્દ બોલતો હતો. તે મને બાઈ કહેતો હતો. મને બ્લૅકઆઉટ થઈ ગયુ હતું. મારા હાથ અને પગ પર સોજા આવી ગયા હતા. હું ઊંઘી નહોતી શકતી. જો હું સૂઈ જતી તો અચાનક રાતે બે વાગે ઊંઘ ઊડી જતી હતી. અમારાં લગ્નનાં બે વર્ષ બાદ તેણે મારા પર હાથ ઉપાડ્યો હતો. ૩ વર્ષ બાદ જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે અમારી વચ્ચે અતંર આવી ગયું. અમે એક પુરુષ અને એક વાઇફ બની ગયાં. તે બીજી રૂમમાં સૂવા માંડ્યો. ત્યાર બાદ મને જાણ થઈ કે તેની કોઈક રશિયન ગર્લફ્રેન્ડ છે. તે સતત તેની સાથે ચૅટ કરતો હતો. મેં એના વિશે તેની સાથે વાત કરી હતી. હું જાણતી નથી કે તેઓ સાથે રહે છે કે નહીં, કારણ કે તે અલગ રહે છે. મારી પાસે એ ચૅટ છે અને હિંસાનાં સીસીટીવી કૅમારા ફુટેજ પણ છે અને એના દ્વારા મને ન્યાય મળી શકશે.’