22 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્યન ખાન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’નો પ્રીવ્યુ બુધવારે એક ભવ્ય ઇવેન્ટમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં આર્યન ખાને પોતાની સિરીઝ વિશે વાત કરી અને એક પ્રભાવશાળી સ્પીચ આપી જેને દર્શકોએ ખૂબ વખાણી. આર્યનની આત્મવિશ્વાસભરી શૈલી અને શાહરુખ જેવી ચાર્મિંગ હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું. આ ઇવેન્ટ દરમ્યાન શાહરુખે એક પછી એક દરેક સ્ટારનું સ્વાગત કર્યું. જ્યારે બૉબી દેઓલે સ્ટેજ પર એન્ટ્રી કરી ત્યારે શાહરુખે તેને ગળે લગાડ્યો.
શાહરુખની પત્ની ગૌરી ખાન આ સિરીઝની પ્રોડ્યુસર છે અને તેણે પતિ શાહરુખ અને પુત્ર આર્યન સાથે ઇવેન્ટમાં એન્ટ્રી કરી હતી. શાહરુખે ઇવેન્ટ દરમ્યાન પોતાની તાજેતરની ઈજાની વાત કરી અને મજાકમાં કહ્યું કે ‘નૅશનલ અવૉર્ડ લેવા માટે એક જ હાથ બાકી છે.’
‘The Ba***ds of Bollywood’ એક ઍક્શનથી ભરપૂર સૅટાયર વેબ-સિરીઝ છે જે બૉલીવુડની ચમક-દમક અને આંતરિક દુનિયાને રમૂજી અને વ્યંગ્યાત્મક અંદાજમાં રજૂ કરે છે. આ સિરીઝમાં લક્ષ્ય અને સહર બામ્બા મુખ્ય ભૂમિકામાં છે; જ્યારે બૉબી દેઓલ, મોના સિંહ, રાઘવ જુયાલ, મનોજ પહવા, મનીષ ચૌધરી, આન્યા સિંહ, વિજયંત કોહલી અને ગૌતમી કપૂર જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. આ ઉપરાંત શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરણ જોહર અને એસ. એસ. રાજામૌલી જેવા મોટા સ્ટાર્સના કૅમિયો પણ સિરીઝમાં હશે.
આર્યન ખાનની સ્પીચે જીતી લીધાં દિલ
‘The Ba***ds of Bollywood’ના પ્રીવ્યુમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહેલા આર્યન ખાને પોતાની સ્પીચથી બધાનાં દિલ જીતી લીધાં હતાં. તેણે કહ્યું કે ‘આજે હું ખૂબ નર્વસ છું કારણ કે હું પહેલી વાર તમારા બધાની સામે સ્ટેજ પર આવ્યો છું. અને એટલે જ છેલ્લા બે દિવસ, ત્રણ રાતથી હું આ સ્પીચની સતત પ્રૅક્ટિસ કરી રહ્યો છું. હકીકતમાં હું એટલો નર્વસ હતો કે મેં ટેલિપ્રૉમ્પ્ટર પર પણ લખી લીધું છે. જો અહીંની લાઇટ જતી રહે તો મેં કાગળના ટુકડા પર પણ લખી લીધું છે, ટૉર્ચ પણ સાથે રાખી છે. અને જો એ પછી પણ મારાથી ભૂલ થઈ જાય તો પપ્પા તો છે જને. આ બધા પછી પણ જો મારાથી ભૂલ થઈ જાય તો મને માફ કરજો. આ મારું પહેલી વાર છે. હું મારી મમ્મીનો આ શો નિર્માણ કરવા બદલ આભાર માનું છું અને તેમણે મને પ્રોડ્યુસ કર્યો એ બદલ મોટો આભાર. હવે મારે કંઈ કહેવાનું રહેતું નથી અને જે કહેશે એ મારો શો જ કહેશે.’