02 November, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદ વારસી
અર્શદ વારસીએ હાલમાં એક પૉડકાસ્ટમાં પોતાના જીવનનાં અનેક પાસાંઓની વાત કરી છે અને સાથે-સાથે તેને લાગતા ડરની વાત પણ કરી છે. અર્શદે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે મને સૌથી વધારે અચાનક મૃત્યુ થવાનો ડર લાગે છે. પોતાની આ લાગણી વિશે વાત કરતાં અર્શદે કહ્યું હતું કે ‘મારો સૌથી મોટો ડર એ છે કે જો મારું અચાનક મૃત્યુ થઈ જાય તો મારા પરિવારનું શું થશે? મેં તેમને માટે શક્ય એટલું વધારે કર્યું છે છતાં મને લાગે છે કે જો કાલે મને કંઈક થઈ જાય તો તેઓ શું કરશે? જ્યાં સુધી હું મારી આંખથી ન જોઈ લઉં કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્થિર છે ત્યાં સુધી મારા મનમાં આ ડર રહેશે. મને લાગે છે કે દરેક માતાપિતાને આ ડર હોય છે.’
પોતાની આ લાગણી વિશે વાત કરતાં અર્શદે કહ્યું હતું કે ‘મને આ વાત વધારે પરેશાન કરે છે, કારણ કે મેં ઘણું જોયું છે. ભૂતકાળમાં એક મોટી ફિલ્મ પછી પણ વર્ષો સુધી મને કામ મળ્યું નહોતું. હું દીવાલોને જોતો રહેતો હતો અને પત્ની-બાળકો માટે જમવાનું બનાવતો હતો. હું મજબૂત માણસ હતો અને મેં મુશ્કેલ સમય જોયો છે, પરંતુ મેં મારાં બાળકો માટે આરામદાયકનું જીવન બનાવ્યું છે. મારો ડર એ છે કે મારાં બાળકો મારા જેટલાં મજબૂત નથી. મને મારી પત્ની મારિયા ગોરેટ્ટી માટે ઘણો આદર છે. તે જે રીતે પરિવારને એકસાથે રાખે છે એ અદ્ભુત છે. તેને કારણે જ હું જોખમ લઈ શકું છું, કારણ કે મને ખબર છે કે મને એક મજબૂત સ્ત્રીનો સપોર્ટ છે. જો કાલે મને કામ મળવાનું બંધ થઈ જાય તો તે બધું સંભાળી શકે છે.’