આઘાતમાં એ. આર. રહમાન

26 December, 2011 05:48 AM IST  | 

આઘાતમાં એ. આર. રહમાન



એ. આર. રહમાન પણ કેરળ અને તામિલનાડુ વચ્ચેના ‘ડૅમ ૯૯૯’ માટેના ઝઘડામાં ફસાઈ ગયો છે. ફિલ્મની રિલીઝ વખતે બન્ને રાજ્યો મલાપેરિયાર ડૅમ માટે આમને-સામને હતાં અને એને કારણે ફિલ્મ ઘણી કન્ટ્રોવર્સીમાં આવી ગઈ હતી. એ. આર. રહમાને ફિલ્મ અને એના સંગીતકારને ઑસ્કર્સમાં અવૉર્ડના નોમિનેશન-લિસ્ટમાં સ્થાન મળતાં તેમની પ્રશંસા કરી હતી. જોકે આ પ્રશંસા તામિલનાડુમાં અલગ રીતે બહાર લાવવામાં આવી હતી અને એને કારણે તેને ઘણો આઘાત લાગ્યો છે.

‘ડૅમ ૯૯૯’ને બેસ્ટ ફિલ્મ, સંગીત તથા સૉન્ગની કૅટેગરી માટે નોમિનેશન-લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેરળના મલયાલમ ફિલ્મોના જાણીતા સંગીતકાર ઓસેપ્પચન અને એ. આર. રહમાન સંગીતક્ષેત્રમાં સાથે હોવાથી તેણે તેમને અભિનંદન આપ્યાં હતાં. તેણે એવી પણ ઇચ્છા દર્શાવી હતી કે ઑસ્કર્સમાં તેમને પ્રવેશ મળે.

જોકે એ. આર. રહમાને આ રીતે કેરળના સંગીતકારનાં વખાણ કર્યા હતાં એનાથી તામિલનાડુમાં તેમની ઇમેજને ધક્કો લગાવવાની કોશિશ કરવામાં આવી હતી.એ. આર. રહમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે ફિલ્મ માટે સંસદ સુધી કન્ટ્રોવર્સી પહોંચી હતી ત્યારે તે અમેરિકા હતો અને તે આ બાબતથી અજાણ હતો અને એને કારણે તેના સ્ટેટમેન્ટને અલગ રીતે બહાર લાવવામાં આવતાં તેને ઘણું દુ:ખ થયું છે. આ ઉપરાંત તે માને છે કે એક ડૅમના મુદ્દે બે રાજ્યો વચ્ચે જે ઝઘડો છે એ ન થવો જોઈએ.