પર્સનાલિટી બની અનુષ્કાના બૅડ લકનું કારણ

15 November, 2011 10:19 AM IST  | 

પર્સનાલિટી બની અનુષ્કાના બૅડ લકનું કારણ



ફિલ્મમાં રોલ માટે ઘણા અજીબોગરીબ કારણસર ઍક્ટ્રેસ કે ઍક્ટરને રિજેક્ટ કરવામાં આવતાં હોય છે એનું વધુ એક ઉદાહરણ યશરાજ ફિલ્મ્સની ‘ઇશકઝાદે’માં જોવા મળ્યું છે. બોની કપૂરના દીકરા અજુર્ન કપૂરની આ પહેલી ફિલ્મમાં અનુષ્કા શર્મા લગભગ ફાઇનલ ગણવામાં આવતી હતી, પણ ડિરેક્ટર હબીબ ફૈઝલ (રિશી અને નીતુ કપૂર સાથેની ‘દો દૂની ચાર’ના દિગ્દર્શક)ને લાગ્યું કે ફિલ્મમાં રોલ માટે તેની પર્સનાલિટી યોગ્ય નથી અને પાત્રમાં કોઈ પ્રકારના ફેરફારો કરી ન શકાય. આ કારણે જ અંતે તેના સ્થાને પ્રિયંકા ચોપડાની કઝિન પરિણીતી ચોપડાને લેવામાં આવી છે.

અનુષ્કાએ બૉલીવુડમાં ઘણા ઓછા સમયમાં પોતાને ટોચની એક અભિનેત્રી તરીકે સાબિત કરી છે. તે પોતાના સારા મિત્ર અજુર્ન કપૂરની ફિલ્મનો આ રોલ મેળવવા માગતી હતી. રોલ માટે તેણે ઑડિશન્સ પણ આપ્યાં હતાં. જોકે ડિરેક્ટર હબીબ ફૈઝલને લાગ્યું કે અનુષ્કાની પર્સનાલિટી રોલને બંધબેસતી નથી. તેમને લાગ્યું હતું કે અનુષ્કા એક કોમળ અને શર્માળ યુવતીના રોલમાં કદાચ પસંદ કરવામાં નહીં આવે. આ કારણે જ તેમણે પરિણીતી ચોપડાને લેવાનું નક્કી કર્યું હતું.

યશરાજ ફિલ્મ્સને પણ હબીબ ફૈઝલની વાત માનવી પડી હતી, કારણ કે આ લવસ્ટોરીમાં બન્ને લીડ ઍક્ટર્સના સ્વભાવ બિલકુલ વિરુદ્ધ બતાવવામાં આવશે. તેમને લાગ્યું હતું કે અનુષ્કા પોતાની રીતે ફેરફારો કરીને ઍક્ટિંગ તો કરી લેશે; પણ તેની ‘બદમાશ કંપની’, ‘બૅન્ડ બાજા બારાત’ અને હવે ‘લેડીઝ વર્સસ રિકી બહલ’ની ઇમેજ લોકોમાં ઘર કરી જશે. આ ઉપરાંત અનુષ્કા તેની કરીઅરમાં પહેલી વખત યશ ચોપડા સાથે શાહરુખની રોમૅન્ટિક ફિલ્મમાં કામ કરશે અને યશરાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકો એ પણ ઇચ્છતા હતા કે તે માત્ર આ ફિલ્મ પર જ ધ્યાન કેન્દ્રિત કરે. આ ઉપરાંત તે ઇમરાન ખાન સાથેની વિશાલ ભારદ્વાજની ‘માતૃ કી બીવી કા મન ડોલા’માં પણ કામ કરવાની છે.

પરિણીતી ‘લેડીઝ વર્સસ રિકી બહલ’ સાથે કરીઅર શરૂ કરશે અને યશરાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકોને તેનું કામ ઘણું પસંદ પડ્યું છે. આ કારણે જ તેને આ ફિલ્મ માટે ઑડિશન આપવાનું કહેવામાં આવ્યું હતું.