04 June, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માની એક સોશ્યલ મીડિયા પોસ્ટને લઈને ઇન્ટરનેટ પર ચર્ચા અને વિવાદ શરૂ થયો છે. રિપોર્ટ અનુસાર અનુષ્કાએ સોશ્યલ મીડિયા પર એક હોમિયોપથિક ડૉક્ટરનો વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે હોમિયોપથીએ તેના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અનુષ્કાએ શૅર કરેલા વિડિયોમાં હોમિયોપૅથિક ફિઝિશિયને દલીલ કરી હતી કે જો કોઈ દરદીને સારવારથી ફાયદો ન થાય તો આખી ચિકિત્સા-પદ્ધતિને દોષ આપવાને બદલે ડૉક્ટરની પસંદગી પર પ્રશ્ન ઉઠાવવો જોઈએ. અનુષ્કાએ પણ પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે હોમિયોપથી લાંબા સમયથી તેના જીવનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો રહી છે. આ પોસ્ટ બાદ સોશ્યલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
અનુષ્કાની આ પોસ્ટ વાઇરલ થયા બાદ અનેક યુઝર્સે તેનો વિરોધ કર્યો હતો. કેટલાક લોકોએ હોમિયોપથીની અસરકારકતા વિશે સવાલો ઉઠાવ્યા હતા. કેટલાકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સેલિબ્રિટીઝ પોતે આધુનિક તબીબી સુવિધાઓનો ઉપયોગ કરે છે, પરંતુ પોતાના કરોડો ફૅન્સને વૈકલ્પિક ઉપચાર-પદ્ધતિઓ તરફ પ્રેરિત કરે છે. જોકે અનુષ્કાના સમર્થનમાં પણ મોટી સંખ્યામાં લોકો સામે આવ્યા હતા. સમર્થકોનું કહેવું છે કે હોમિયોપથીથી તેમને અૅલર્જી, માઇગ્રેન અને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં લાભ મળ્યો છે. અનુષ્કાના ટેકેદારોએ દલીલ કરી હતી કે દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે અને અનુષ્કાએ માત્ર પોતાનો વ્યક્તિગત અનુભવ જ વ્યક્ત કર્યો છે. અનુષ્કાએ આ વિવાદ વિશે કોઈ વધુ સ્પષ્ટતા કે પ્રતિક્રિયા આપી નથી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની ગણતરી પાવર કપલમાં થાય છે. હાલમાં વિરાટની રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2026નો ખિતાબ બીજી વાર જીત્યો હતો. આ પછી વિરાટ અને તેની પત્ની અનુષ્કા શર્મા પ્રેમાનંદ મહારાજનાં દર્શન માટે વૃંદાવન પહોંચ્યાં હતાં. આ દરમ્યાન અનુષ્કાના ફોનના વૉલપેપરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અનુષ્કાના ફોનના વૉલપેપર પર તેના પતિ કે બાળકોની નહીં પણ વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજની તસવીર છે. અનુષ્કા અને વિરાટ વારંવાર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરવા જાય છે અને આ દંપતીએ તેમની પાસેથી ગુરુદીક્ષા પણ લીધી છે.